અમદાવાદઃ રાજ્યમાં તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં શ્રાવણ વદ પાંચમ નાગ પાંચમ તરીકે ઊજવવામાં આવે છે. ભારત દેશ અને હિંદુ ધર્મમાં અનેક જીવોને ભગવાનનો દરજ્જો આપી પૂજવામાં આવે છે. દરેક જીવોનું કલ્યાણ થાય, સન્માન થાય અને પૂજા થાય એવી પ્રાર્થના પણ કરવામાં આવે છે. એવા જ એક પૃથ્વી પરના જીવ નાગનું પૂજન નાગ પાંચમને દિવસે કરવામાં આવે છે. નાગ દેવતાનાં નવ કુળ છે. અનંતમ્, વાસુકિ, શેષમ્, પદ્મનાભ, કમ્બલમ્, ધૃતરાષ્ટ્રમ્, શંખપાલમ્, તક્ષકમ્ અને કાલીનાગ એમ કુલ નવ કુળના નાગ છે. તેની નાગપાંચમના દિવસે વિશેષ પૂજા કરવામાં આવે છે. આ અંગે મંદિરના મહારાજના જણાવ્યા મુજબ શેષનારાયણ પૃથ્વીને ધારણ કરીને ઊભા છે તે જગતની રક્ષા કરે છે. પુરાણોમાં, દંતકથાઓમાં અને વિવિધ પ્રાંતોમાં નાગના મહત્ત્વનો ઉલ્લેખ કરવામાં આવે છે. નાગને દેવતારૂપે રજૂ કરી એના મંદિરો બનાવી પૂજા-અર્ચના પણ કરતો એક મોટો વર્ગ છે.
ભારત કૃષિ પ્રધાન દેશ છે. આ દેશના મોટા ભાગના ખેડૂત સાપ અને નાગને સકારાત્મક દ્રષ્ટિએ જુએ છે. નાગ દેવતા પાક અને જમીનની રક્ષા કરે છે. સંસ્કૃતિ અને આસ્થાને કારણે ઘણા પ્રાંતના લોકો નાગનું પૂજન કરે છે. મંગળવારે નાગ પંચમીની વહેલી સવારથી જ નાગનાં મંદિરોમાં સ્થાનકોએ- મોટી સંખ્યામાં ભક્તો ઊમટી પડ્યા હતા.
(પ્રજ્ઞેશ વ્યાસ)