અમદાવાદઃ વિશ્વમાં ચાલતા જિયોપોલિટિકલ ટેન્શન, વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતા છતાં રાજ્યમાં નોન ઇન્ડિયન ઇન્વેસ્ટર્સ (NRI)ની ડિપોઝિટ્સ સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં રૂ. એક લાખ કરોડને પાર થઈ છે, જે ગયા વર્ષના સમાન ગાળાના રૂ. 89,057 કરોડની તુલનાએ 14 ટકા વધુ છે.
સ્ટેટ-લેવલ બેન્કર્સ કમિટી (SLBC)ના ડેટા અનુસાર રાજ્યમાં NRI ડિપોઝિટ્સ નાણાકીય વર્ષ 2025ના બીજા ક્વાર્ટરમાં વધીને 1.01 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.
SLBC ગુજરાતના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં NRIs દ્વારા દેશમાં નોંધપાત્ર રોકાણ કરવામાં આવ્યું છે. જેના માટે ઘણાં બધાં પરિબળો જવાબદાર છે. હાલમાં વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાની પરિસ્થિતિ જોવા મળી રહી છે, તેથી ઘણા NRIs સુરક્ષિત વિકલ્પ તરીકે પોતાનું રોકાણ ભારતીય બેંકોમાં કરી રહ્યા છે. આને મોટા ભાગે રિયલ એસ્ટેટ અને અન્ય સેક્ટર્સમાં રોકાણમાં જોડવામાં આવે છે. આ સાથે તેમણે એ પણ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં ઈન્ડિયન ઈક્વિટી માર્કેટમાં પણ તેજી જોવા મળી રહી હતી. જેના કારણે NRIs ભારતીય સ્ટોક માર્કેટમાં પણ મૂડીરોકાણ કર્યું છે, જેમાં ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડ્સ અથવા તો સીધા શેરોની ખરીદી દ્વારા રોકાણ કર્યું છે. NRI ઈન્વેસ્ટર્સમાં ભારતના ગ્રોથને લઈને ઘણો જ વિશ્વાસ છે. NRIs વેલ્થ ક્રિયેશન માટેના વિકલ્પો શોધી રહ્યા છે જેના કારણે NRI એકાઉન્ટ્સમાં રેમિટન્સમાં વધારો થયો છે.
દેશમાં NRI ડિપોઝિટ્સ વધવાનું ઊંચા વ્યાજદર પણ છે, કેમ કે અન્ય જગ્યાએ વ્યાજદર ભારતની તુલનાએ નીચા હોવાનું મનાય છે.
