રામોલ દુષ્કર્મકાંડના કોઈપણ આરોપીને બક્ષવામાં નહીં આવે: પ્રદીપસિંહ જાડેજા

અમદાવાદ- ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અમદાવાદના રામોલમાં થયેલ સામૂહિક દુષ્કર્મકાંડની ઘટનામાં સંડોવાયેલા કોઇપણ ચમરબંધીને રાજ્ય સરકાર બક્ષવા માંગતી નથી. મૃતક પીડિતાને સત્વરે ન્યાય મળે તે માટે પ્રથમ દિવસથી જ સારવાર લીધી ત્યારથી પોલીસ રક્ષણ સાથે પૂરતી તકેદારી રાખીને યોગ્ય સારવાર આપવામાં આવી હતી. પીડિતાના મલ્ટીપલ ઓર્ગન ફેલ થવાના કારણે તેનું દુઃખદ અવસાન થયું છે. જે માટે રાજ્ય સરકાર અત્યંત દુઃખની લાગણી વ્યક્ત કરે છે. પીડિતાની શારીરિક તથા માનસિક સ્થિતિ નાજૂક હોવાના કારણે તેના દ્વારા અધૂરી માહિતી આપવામાં આવેલ હોવાથી ઘટનાની તપાસમાં થોડો વિલંબ થયો છે. પીડિતાને ઝડપથી ન્યાય મળે તે માટે રાજ્ય સરકારને તાકીદના ધોરણે પગલા લઇને સત્વરે કાર્યવાહી હાથ ધરી હતી. જેના પરિણામે ત્રણ આરોપીઓની ઘરપકડ કરવામાં આવી છે.

પીડિતા ગર્ભવતી હતી અને તેમણે ગર્ભ પાડવા માટે વધુ પડતી ગર્ભ નિરોધક દવાઓ લીધી હતી, જેના કારણે પીડિતાના પેટમાં બાળકનું મૃત્યુ થયું હતું. જેના પરિણામે પીડિતાની હાલત વધુ નાજૂક બની હતી અને તેણીના શરીરમાં મલ્ટીપલ ઓર્ગન ફેલ થતાં તેનું મોત નીપજ્યું હતું. પીડિતાને સત્વરે ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સઘન પ્રયાસ હાથ ધરાયા છે.

સમગ્ર દુષ્કર્મકાંડની તપાસ અમદાવાદ પોલીસ કમિશ્નર એ.કે.સિંઘના માર્ગદર્શન અને સતત મોનીટરીંગ હેઠળ ઝોન -૫ના પોલીસ કમિશ્નર અક્ષય રાજની દેખરેખ હેઠળ થઇ રહી છે. તપાસ દરમિયાન આરોપી અંકિત પારેખ, ચિરાગ વાઘેલા, રાજેશકુમાર ઉર્ફે રાજ સુથાર સહિત ત્રણ વ્યક્તિઓની ઘરપકડ કરવામાં આવી છે.

રામોલ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરાઇ તે સમયે ૧૮૧ અભયમ હેલ્પલાઇન દ્વારા મહિલાનું કાઉન્સીંલીંગ કરીને તેમની હાજરીમાં પોલીસ ફરીયાદ દાખલ કરાઇ હતી. ત્યાર બાદ ભોગ બનનારનું ડાઇંગ ડેક્લેરેશન એકઝયુકીટીવ મેજિસ્ટ્રેટની હાજરીમાં લેવાયું હતું. ત્યારબાદ સારવાર સમયે સી.આર.પી.સી. -૧૬૪ હેઠળ પીડિતાનું નિવેદન ડૉ. હરિ મિશ્રાની ઉપસ્થિતિમાં મેજીસ્ટ્રેટ સમક્ષ લેવાયું હતું. તેમજ પીડિતાના અને ઘરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓના DNAના સેમ્પલ લઇને પણ FSLમાં પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યા છે, ઉપરાંત એક આરોપી હાર્દિક જે ભાગેડુ જાહેર કરાયો છે તેના માતાપિતાના સેમ્પલ લઇને પણ FSLમાં પણ મોકલી આપવામાં આવ્યા છે.

આ ઉપરાંત જે મૃત બાળક હતું જે દાટી દેવાયું હતું તેનું પણ મેજિસ્ટ્રેટની મંજૂરી લઇને ડૉક્ટરની હાજરીમાં બહાર કાઢીને DNA ટેસ્ટ માટે સેમ્પલ લઇને પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યા છે. પૃથ્થકરણના કારણો આવ્યાં બાદ રાજ્ય સરકાર સત્વરે પગલાં ભરીને દોષિતોને કડકમાં કડક સજા થાય તે માટે પ્રયાસો કરશે તેમાં કોઇ કચાશ રખાશે નહી તેમ તેમણે ઉમેર્યુ હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]