આજે ગુજરાતનો સ્થાપના દિવસ, જાણો ગરવી લીલીવાડી…

અમદાવાદઃ આજે ગરવી ગુજરાતનો સ્થાપના દિવસ છે. ૧લી મે, ૧૯૬૦ના રોજ બોમ્બે રીઓર્ગેનાઈઝેશન એક્ટ, ૧૯૬૦ હેઠળ દ્વિભાષી મુંબઈ રાજ્યના બે ભાગલા મહારાષ્ટ્ર અને ગુજરાત તરીકે કરવામાં આવ્યાં હતાં.

ગુજરાત એક અનોખું અને અદ્વિતીય અને બેજોડ રાજ્ય છે. અહીંયા સોમેશ્વર મહાદેવ અને નાગેશ્વર મહાદેવ સતત ભક્તોની રક્ષા કરે છે. દરિયાના કિનારે બેઠેલાં ભગવાન દ્વારિકાધીશ ગુજરાતીઓને સાચવે છે. તો ચોટીલાના ડુંગર પર ચામુંડા મા, ગબ્બર પર આદ્યશક્તિ મા અંબાજી, પાવાગઢમાં મા મહાકાળી, કોટડામાં મા ચામુંડા આ તમામ માતાજી ડુંગર પર બીરાજીની પોતાના બાળકોની રક્ષા કરે છે.

તો આ સાથે જ મોગલમા, ખોડીયારમા, સધીમા, જોગણીમા, પરબના પીર, સત દેવીદાસ, જલારામ બાપા, ડાકોરના ઠાકોર, શામળાજીના શામળીયા ભગવાન, શિવશક્તિ આ તમામ ભગવાન માતાજીમાં આસ્થા ધરાવતાં ગુજરાતીઓની તાસીર બેજોડ છે.

ગુજરાત સતત વિકસતું રહ્યું છે અને રહેશે. અહીં જ દેશને સ્વતંત્રતા અપાવવામાં મોટો ભાગ ભજવનાર મહાત્મા ગાંધીજી પણ જન્મે અને મોહમ્મદ અલી ઝીણાના વંશજો પણ અહીંના ઠક્કર પરિવારમાં પાનેલીમાં થયો હતો! ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે અલગ રાજ્યો હોવાં જોઈએ તેની ચળવળના મુખ્ય નેતા ઈન્દુલાલ યાજ્ઞિક પણ ગુજરાતી અને તેનો વિરોધ કરનાર મોરારજી દેસાઈ પણ ગુજરાતી.

ગુજરાતમાં સરદાર પટેલ જેવા નેતા પણ થયાં અને ચીમનભાઈ પટેલ-નરેન્દ્ર મોદી પણ થયાં જેમણે દિલ્લી દરબારમાં ગુજરાતનું નામ ગૂંજતું અને સંભળાતું કર્યું. તેમાંથી સરદાર પટેલ વડા પ્રધાનપદ સુધી ન પહોંચી શક્યાં પણ નરેન્દ્ર મોદી પહોંચી ગયાં. હવે તો દુનિયાના સૌથી મોટા રાજકીય પક્ષના પ્રમુખ અમિત શાહ પણ ગુજરાતી. વિશ્વના સૌથી ૨૦ ધનવાન વ્યક્તિઓમાં સ્થાન પામતાં મૂકેશ અંબાણી પણ ગુજરાતી. ભારતીય રીઝર્વ બૅન્કના પૂર્વ ગવર્નર ઊર્જિત પટેલ પણ ગુજરાતી. ક્રિકેટરોમાં જામ રણજીતસિંહજી, કરશન ઘાવરી, ચંદુ બોરડે, સલીમ દુરાની, અંશુમન ગાયકવાડ, વિકેટ કીપર તરીકે જાવેદ મિંયાદાદ જેવા બૅટ્સમેનને ચીડવનાર કિરણ મોરે, અતુલ બેદાડે, નયન મોંગીયા, અજય જાડેજા (જોકે તે ભારતીય ટીમમાં હરિયાણા તરફથી પ્રવેશ પામ્યો હતો), પાર્થિવ પટેલ, ઈરફાન પઠાણ, યુસૂફ પઠાણ, અક્ષર પટેલ, ચેતેશ્વર પૂજારા, રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બૂમરાહ, અક્ષર પટેલ…હજુ પણ કેટલાંક નામો રહી ગયા હોય તો નવાઈ નહીં.

ગુજરાત જ્યારે રજવાડાંઓમાં વહેંચાયેલું હતું ત્યારે પ્રજાવત્સલ અને ગુજરાતી ભાષા-કલા માટે સદીઓ સુધી યાદ રહી જાય તેવાં કામો કરનારાં અને સમગ્ર ભારતમાં સૌથી પહેલું પોતાનું રાજ્ય સમર્પિત કરી દેનારા રાજા પણ ગુજરાતી હતાં. ભગવતસિંહજીનો ભગવદ્ ગો મંડળ આજે પણ ગુજરાતી શબ્દકોશ તરીકે પ્રથમ સંદર્ભિત ગ્રંથ છે. તો મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પ્રજા વાત્સલ્યના અનેક દાખલા છે. પરંતુ તે કરતાંય શિરમોર તેમણે સર્વપ્રથમ ભાવનગર રાજ્યને અખિલ ભારતીય સંઘમાં ભેળવી દીધું હતું તે સમર્પણનો ઉત્કૃષ્ટ નમૂનો છે. મહારાજા સયાજીવાર ગાયકવાડે કલા-સંસ્કૃતિ માટે ખૂબ કરેલું પણ જે સમયે અસ્પૃશ્યતા ચરમસીમાએ હતી તેવા સમયે ભીમરાવ આંબેડકરને શિષ્યવૃત્તિ આપી પરદેશ ભણવા મોકલ્યાં હતાં. ક્રાંતિકારી અને સાધુ મહર્ષિ અરવિંદ ઘોષને ક્રાંતિકારી પ્રવૃત્તિની જાણ છતાં તેમને નોકરીએ રાખેલાં.

હેમચંદ્રાચાર્ય જેવા સાધુએ ગુજરાતી વ્યાકરણનો ગ્રંથ તૈયાર કર્યો. મૂકસેવક રવિશંકર મહારાજે ભટકેલા લોકોને માર્ગ પર પાછા લાવવાની સેવા કરી. પૂ. મોટાએ મૌન મંદિર સ્થાપ્યું. સ્વામી દયાનંદ સરસ્વતી જેમણે આર્ય સમાજ રચ્યો તેઓ પણ ગુજરાતી! જલારામ બાપા પણ ગુજરાતી. સંતો જેસલ તોરલ, પાનબાઈ, ગંગા સતી, બજરંગદાસ બાપા, પ્રમુખ સ્વામી, પણ ગુજરાતી. સ્વામીનારાયણ સંપ્રદાય પણ ગુજરાતમાં જ સ્થપાયો. આ સંપ્રદાયે દેશ-વિદેશમાં હિન્દુ ધર્મને પ્રસરાવ્યો છે. આજે મોરારીબાપુ યુએઈથી લઈને રોમ સુધી રામકથાને લઈ ગયા છે તો રમેશભાઈ ઓઝા ભાગવતના સારને દેશવિદેશમાં ફેલાવી રહ્યાં છે.

માત્ર આટલે સુધી જ નહી પરંતુ દ્વાપર યુગમાં જઈને એક નજર કરીએ તો ખ્યાલ આવે કે ભગવાન શ્રી કૃષ્ણએ જન્મ મથુરામાં લીધો, પોતાનું 11 વર્ષ અને 52 દિવસનું બાળપણ ગોકુળમાં વિતાવ્યું, ત્યારબાદ મથુરા ગયા, કંસનો વધ કર્યો અને મથુરાના રાજા બન્યા. ત્યારબાદ ભગવાન પોતાના જીવનની અન્ય સેંકડો લીલાઓને સંકેલ્યા બાદ ભગવાને ગુજરાતના દ્વારિકામાં સ્થાયી થવાનું નક્કી કર્યું. અહીંયા આવ્યાં, સોનાની નગરી બનાવી અને ત્યારબાદ પોતાની 16 હજાર 108 રાણીઓ સાથે અહીંયા રહ્યાં. ભગવાને ગુજરાતને પસંદ કર્યું આની પાછળનું મૂળ કારણ એ છે કે, ભગવાનને પણ કદાચ ખબર હશે કે ગુજરાતની ધરતીમાં જેટલી શાંતિ અને સ્થિરતા છે એવી બીજે ક્યાંય નથી.

ગુજરાતે હંમેશા ભારત દેશને દિશા બતાવી છે. કદાચ સરદાર પટેલ નામના એક ગુજરાતી આ દેશને મળ્યાં હોત તો આજે પણ આપણો દેશ એક ન થઈ શક્યો હોત. ગુજરાતની તાસીર અલગ છે, ગુજરાતના રીત-રીવાજો, સાહિત્ય, લોકગીતો, બાળગીતો, લગ્નગીતો, કવિતાઓ, ગઝલો, હઝલો, નઝમો, આધ્યાત્મિક સ્થાનો, પ્રાકૃતિક સ્થળો, ઐતિહાસિક સ્થળો સહિત તમામ વસ્તુ ગુજરાત પાસે અદભૂત છે.

એવા ગુજરાતના સૌ નાગરિકોને જય જય ગરવી ગુજરાતના સ્થાપના દિવસના ખૂબ ખૂબ વધામણાં….