ગાંધીનગર- નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે ગુજરાતમાં ૪ લાખ નાના-મધ્યમ ઊદ્યોગો પૈકી ૮૦ ટકા મંદીની ઝપેટમાં છે એવા કોંગ્રેસે કરેલા આક્ષેપો સત્ય હકીકતથી તદ્દન વિપરીત અને પાયાવિહીન ગણાવ્યાં છે.
નાયબ મુખ્યપ્રધાને કોંગ્રેસની ગુજરાતના વિકાસ વિરોધી માનસિકતાની આકરી આલોચના કરતાં કહ્યું કે, દર બે વર્ષે જ્યારે જ્યારે વાયબ્રન્ટ સમિટ યોજાય ત્યારે જ કોંગ્રેસના આ જૂઠવાડીયા નેતાને નિવેદનો કરવાનો સનેપાત ઉપડે છે. હકીકત એ છે કે, ર૦૦૩થી શરૂ થયેલી વાયબ્રન્ટ સમિટ હવે વિશ્વ મંચ બની ગઇ છે, અને ગુજરાત બેસ્ટ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે. તેનાથી વિપક્ષ કોંગ્રેસના પેટમાં તેલ રેડાય છે એટલે જ વાયબ્રન્ટ સમિટ પૂર્વે આવા બેજવાબદાર નિવેદનો કરી પોતાની માનસિક હતાશા છતી કરે છે.
અર્જુન મોઢવાડીયાએ રાજ્યમાં ઊદ્યોગોને તાળા લાગી ગયા છે તે જૂઠાણું ચલાવ્યું છે તેને સખત શબ્દોમાં વખોડી કાઢતાં નાયબ મુખ્યપ્રઘાને તેમને એ વાતની યાદ અપાવી કે ભૂતકાળમાં કોંગ્રેસના રાજમાં કોઇ સુવિધાઓ ન હતી એટલે ઊદ્યોગો આવતા જ નહિ, ભારતીય જનતા પાર્ટીના સમયમાં રાજ્યમાં સુગ્રથિત રોડ નેટવર્ક, સરપ્લસ વીજળી, ઝિરો લેબર ડેયઝ લોસ, શ્રેષ્ઠ ખાળખાકીય સુવિધાઓના કારણે વિશ્વભરના ઊદ્યોગો-પૂંજીનિવેશકોને રોકાણો માટે મોટાપાયે આવતા થયા છે ત્યારે તમે ભાજપાના શાસનમાં તાળાં લાગવાની વાત કરો છો?
નીતિન પટેલે પડકાર ફેકયો છે કે, અર્જુનભાઇ મોઢવાડીયા કયા મોંઢે ૪ લાખ ઊદ્યોગો બંધ હોવાની વાત કરે છે? જે ૪ લાખની વાત તેઓ કરે છે તેના દશ ટકા ઊદ્યોગો બંધ હોય તો તેની યાદી તો અર્જુનભાઇ આપે.
તેમણે ઉમેર્યુ કે, ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં MSMEની સંખ્યા ઘટવાની તો દૂર રહી પણ ર૦ લાખથી વધીને ૩૦ લાખ થઇ છે. રાજ્યમાં સાણંદ, વિઠલાપુર, માંડલ, બેચરાજી, દહેજ, મુંદ્રા ગિફટ સિટી, ધોલેરા જેવા સ્થળોએ નવા ઊદ્યોગો સ્થપાવાથી વિકાસની અસીમ તકો ખૂલી છે. જમીનોના ભાવ વધવાથી ખેડૂતોને પણ ફાયદો થયો છે અને સ્થાનિક યુવાઓને રોજગારી સાથે નાના-લઘુ-મધ્યમ ઊદ્યોગો શરૂ કરવાની પણ પ્રેરણા – પ્રોત્સાહન મળ્યા છે.
કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાએ ચાર લાખ ઊદ્યોગો બંધ છે એવું નિવેદન કરીને પોતાની અજ્ઞાનતા છતિ કરી છે. એમ નીતિન પટેલે ઉમેર્યુ છે.
નીતિન પેટેલ સ્પષ્ટપણે જણાવ્યું કે, ર૦૦૬ સુધીમાં MSME એકમો દ્વારા ૧૮.પર લાખ જેટલી રોજગારીની તક આપવામાં આવી હતી. ર૦૧૬-૧૭માં તે વધીને ૬ર.૬૪ લાખ અને ૧૭.૧૮માં ૭ર.૯૩ લાખ થઇ છે એટલે કે ૧૬ ટકા જેટલો માતબર વધારો નોંધાયો છે.
ગુજરાતમાં આવા નાના ઊદ્યોગોને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે ૧૦૦ જેટલા રાજ્યવ્યાપી MSME કલસ્ટર્સ એન્જીનીયરીંગ, ઓટો કોમ્પોનન્ટ કેમિકલ્સ અને ટેક્ષટાઇલ્સ સેકટરમાં શરૂ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં ર૦૧પ-૧૬માં ૬૯૮પ એકમો તથા ૧૬-૧૭માં ૯પ૭૯ એકમો અને ૧૭-૧૮માં ૭૭પ૬ એકમો વ્યાજ સહાય હેઠળ નોંધાયેલા છે અને આ એકમોને વ્યાજ સહાય તેમજ કેપીટલ સહાય બેન્કો દ્વારા મંજુર થયેલ ટર્મ લોન પણ આપવામાં આવી છે. રાજ્યમાં MSME એકમોને સરકાર દ્વારા સતત પ્રોત્સાહન મળતું રહેવાને કારણે જ ર૦૧૪-૧પમાં રૂ. ૩૭૦ કરોડ ગ્રાન્ટ હતી તેમાં ઉત્તરોત્તર વધારો થઇને નવેમ્બર-ર૦૧૮ સુધીમાં રૂ. ૬૮૬ કરોડ થઇ છે.