દિલ્હીથી લંબાયા LRD પેપરલીકના તાર, નીલેશ વડોદરાનો રહેવાસી, થઈ વધુ ધરપકડો

ગાંધીનગર- લોકરક્ષકનું પેપર લીક મામલામાં સોમવારે ગાંધીનગર પોલીસ દ્વારા વધુ એક આરોપીની દિલ્હી અને એક આરોપીની મધ્યપ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીથી પકડવામાં આવેલા આરોપી વિનિત માથુરે  દિલ્હીમાં તમામ લોકોને રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. લોકરક્ષળ દળ (એલઆરડી) પેપર લીક મામલામાં ગુજરાત એટીએસ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ગાંધીનગર પોલીસની સંયુક્ત ટીમે કામ પાર પાડતાં આજે દિલ્હી, હરિયાણા અને મધ્યપ્રદેશથી ત્રણ અલગઅલગ સ્થળેથી ત્રણ લોકોની અટકાયત કરી છે.
ગાંધીનગર એસપી મયૂર ચાવડાએ જણાવ્યું હતું કે દિલ્હીના રહેવાસી વિનીતના રીકન્સ્ટ્રક્શનની મદદથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે વિનીત પણ અમદાવાદમાં આવી ને જે લોકોને પેપર જોઈતું હતું તેઓની સાથે હોટેલ પ્રેસિડન્ટમાં બેઠક પણ કરી હતી. જ્યારે પ્રથમ દિવસથી પોલીસ દ્વારા નીલેશ નામના વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તે બાબતે પણ પોલીસે આજે વધુ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે નીલેશ ચૌહાણ નામનો વ્યક્તિ વડોદરાનો રહેવાસી છે. જેણે પેપર લીકમાં મહત્વની ભૂમિકા ભજવી છે. જ્યારે ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસ દ્વારા મધ્ય પ્રદેશના ભોપાલમાંથી રતલામના રહેવાસી દિનેશ સાહુની ધરપકડ કરી છે, જેને રાત સુધી ગાંધીનગર લવાવાની સંભાવના છે.મયૂર ચાવડાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આ મહત્વનો ભાગ અમદાવાદના બે યુવાનો દ્વારા પણ ભજવવામાં આવ્યો છે. અમદાવાદના આશ્રમ ખાતે આવેલી હોટલ પ્રેસિડેન્ટ નીલેશ ચૌહાણ અને સુરેશ પંડ્યા દ્વારા ઉમેદવારને પેપર આપવા બાબતે અને વધુ કમાણી કરવા બાબતે અન્ય આરોપી એટલે કે ઇન્દ્રવદન, વિનીત માથુંર સાથે બેઠક યોજી હતી. આ બંને યુવકો પૈકી સુરેશ પંડ્યા નિકોલ વિસ્તારમાં અને નિલેશ ચૌહાણ દસકોઈમાં રહેતાં હોવાનું ખુલ્યું છે અને નીલેશ ચૌહાણ મૂળ વડોદરાનો છે.મધ્યપ્રદેશથી વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેનું નામ દિનેશ છે, દિનેશ આ અગાઉ વર્ષ 2018માં માર્ચ અને એપ્રિલમાં લેવાયેલી ફૂડ કોર્પોરેશન ઇન્ડિયાની પરીક્ષાનું પેપર લીક કરવામાં આરોપી તરીકે સંડોવાયેલો છે જે અત્યારે જામીન પર છૂટ્યો છે પરંતુ ગુજરાતમાં લેવાયેલી પરીક્ષામાં પણ તેનો મહત્વનો ભાગ ભજવ્યો છે. તેના ઘેર પોલીસ દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું છે કે દેશમાં અને અન્ય રાજ્યોમાં જે સરકારી પરીક્ષા લેવામાં આવે છે તે તમામ પ્રકારના કાગળીયાં કબજે લેવામાં આવ્યા છે.