ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના કેસોમાં ફરી એક વાર વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ, સુરત વડોદરા અને રાજકોટમાં કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી નવ વિધાનસભ્યોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી ચૂક્યા છે. રાજ્ય વિધાનસભાનું સત્ર એક માર્ચથી શરૂ થયું છે. પોઝિટિવ આવેલા વિધાનસભ્યોમાં પ્રધાનો પણ સામેલ છે.
મંગળવારે એક દિવસમાં પાંચ વિધાનસભ્યોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જેમાં પ્રધાન ધર્મેન્દ્ર સિંહ જાડેજા પણ સામેલ છે. તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
એ સિવાય કોંગ્રેસ વિધાનસભ્ય નૌશાદ સોલંકી પણ સંક્રમિત થયા છે. ભાજપના વિધાનસભ્ય વિજય પટેલ, ભિખાભાઈ બારૈયા અને કોંગ્રેસ વિદાનસભ્ય પૂજા વંશ સહિત બહુચરાજીના વિધાનસભ્ય ભરતજી ઠાકોર પણ કોરોના સંક્રમિત થયા છે. વિધાનસભ્યોના કોરોના સંક્રમિત થયા પછી વિધાનસભાને UV લાઇટ્સથી ક્લીન કરવામાં આવી હતી, જેથી કોરોના સંક્રમણ વધુ ફેલાતો અટકાવી શકાય.
આ સિવાય મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના પ્રાઇવેટ સચિવ નીરજ પાઠક, કૃષિપ્રધાન આરસી ફળદુના પ્રાઇવેટ સચિવ મહેશ લાડ અને શ્રમ રોજગાર પ્રધાન દિલીપ ઠાકોરના ખાનગી સચિવ ધર્મજિત યાજ્ઞિક પણ કોરોના સંક્રમિત થયા છે.
ગાંધીનગર વિધાનસભામાં પણ કોરોના વાઇરસના કેસોમાં વધારો નોંધાતાં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આદેશ આપ્યો છે કે કોઈ પણ ધારાસભ્ય કે પ્રધાને વિધાનસભા સંકુલમાં કોઈને મળવા બોલાવવા નહીં.
રાજ્યમાં હજી કેસોમાં વધારો થશેઃ રૂપાણી
રાજ્યમાં કોરોનાના કેસમાં ઝડપી વધી રહ્યા છે, ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું છે કે દેશમાં હાલ સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. રાજ્યમાં મૃત્યુઆંક ઓછો છે. હાલ 70 ટકા બેડ ખાલી છે. હજુ એક અઠવાડિયું કેસ વધશે, પણ એ બાદમાં ઘટશે. દૈનિક ધોરણે ત્રણ લાખ રસી આપવાનું લક્ષ્ય છે.