અમદાવાદ/મુંબઈઃ ગુજરાતના પાટનગર ગાંધીનગર અને દેશના આર્થિક પાટનગર મુંબઈ વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરાયાને હજી તો એક જ અઠવાડિયું થયું છે ત્યાં આ ટ્રેન પ્રવાસીઓમાં હિટ સાબિત થઈ ગઈ છે. એક જ અઠવાડિયામાં આ ટ્રેનમાં સવારીની સરેરાશ ટકાવારી 110 ટકા નોંધાઈ છે.
16-કોચની આ ટ્રેનમાં 1,128 બેઠકોની ક્ષમતા છે. દરરોજ આ ટ્રેન બંને દિશાની સફર વખતે પૂરેપૂરી ભરાઈ જાય છે. અમદાવાદ-મુંબઈ રૂટ પર પ્રવાસીઓ બીજી ટ્રેન કરતાં ‘વંદે ભારત એક્સપ્રેસ’માં સફર કરવાનું વધારે પસંદ કરે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ 30 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં આ ટ્રેનનું લોકાર્પણ કર્યું હતું.
પ્રવાસીઓનું કહેવું છે કે આ ટ્રેન લક્ઝરી સફરનો અનુભવ કરાવે છે, એટલું જ નહીં પણ સુરક્ષિત પ્રવાસનું વાતાવરણ પણ પૂરું પાડે છે. કોઈ પ્રકારના ટેન્શન વગર સફર કરી શકાય છે. તમારે તમારાં સામાન અને ચીજવસ્તુઓની કોઈ ચિંતા રાખવી પડતી નથી.
અનેક પ્રવાસીઓએ આ ટ્રેનમાં સફર કરવાનું એટલા માટે પસંદ કર્યું છે કે એમાં સ્લાઈડિંગ દરવાજા છે, બાયો-વેક્યૂમ ટોઈલેટ્સ છે, વાઈ-ફાઈ ઈન્ફોટેનમેન્ટ સુવિધા છે, જીપીએસ-બેઝ્ડ પેસેન્જર ઈન્ફોર્મેશન સિસ્ટમ બેસાડવામાં આવી છે, ટ્રેનમાં પીરસવામાં આવતાં ખાદ્યપદાર્થો સરસ ગુણવત્તાવાળા હોય છે અને ટ્રેન વધુ ઝડપે દોડે છે. ગાંધીનગરથી મુંબઈ કે મુંબઈથી અમદાવાદ, એમ બંને દિશામાં આ ટ્રેન પેક્ડ જાય છે.
ટ્રેનમાં સ્વચ્છતાની પણ ખૂબ સંભાળ લેવાય છે. પ્રવાસીઓ પણ કચરો જ્યાં ત્યાં ફેંકતાં નથી.
પશ્ચિમ રેલવે તરફથી મળેલી માહિતી અનુસાર, ગઈ 1 ઓક્ટોબરે મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર વંદે ભારત ટ્રેનમાં સવારીની ટકાવારી 124 ટકા હતી. તે પછી 3 ઓક્ટોબરે 115 ટકા, 4 ઓક્ટોબરે 75.95 ટકા, પાંચમીએ 76.66 ટકા, છઠ્ઠીએ 143 ટકા અને સાતમીએ 121 ટકા હતી.
વળતી દિશામાં, 1 ઓક્ટોબરે સવારીની ટકાવારી 76 ટકા હતી, 3 ઓક્ટોબરે 80.76 ટકા, ચોથીએ 113.89 ટકા, પાંચમીએ 138.55 ટકા, છઠ્ઠીએ 121 ટકા અને 7મીએ 140 ટકા હતી.
ટ્રેનની ઝડપને વધારવા અને ઘટાડવા માટે મધ્ય ભાગમાં એક નોન-ડ્રાઈવિંગ કોચ પણ જોડવામાં આવ્યો છે. વીજળી ગૂલ થવાની સ્થિતિમાં દરેક કોચમાં ચાર ઈમર્જન્સી લાઈટ્સ મૂકવામાં આવી છે. દરેક કોચમાં ચાર ઈમર્જન્સી બારી છે. ગરમી સામે વધારે સારી વેન્ટિલેશન સિસ્ટમ તથા એર-કન્ડિશનિંગ કન્ટ્રોલ માટે ઉચ્ચ ક્ષમતાવાળા કોમ્પ્રેસરનો ઉપયોગ કરાયો છે, જે દરેક ડબ્બામાં જંતુમુક્ત હવા-પૂરવઠો પૂરો પાડે છે. ટ્રેનમાં આગ સામે પણ અત્યાધુનિક સિસ્ટમ બેસાડવામાં આવી છે. ડ્રાઈવર અને ગાર્ડ વચચેના સંદેશવ્યવહાર માટે પણ અત્યાધુનિક ટેક્નોલોજી ઉપયોગમાં લેવાઈ છે.
(તસવીર સૌજન્યઃ @RailMinIndia)