શિવસેનાએ ત્રણ નામ, ચૂંટણીપ્રતિકોની યાદી સુપરત કરી

મુંબઈઃ શિવસેના પાર્ટીના બે જૂથ વચ્ચે થયેલા ઝઘડાને કારણે ચૂંટણી પંચે શિવસેના પાર્ટીના નામ, તેના ધનુષ-બાણના ચૂંટણી પ્રતિકને સ્થગિત કરી દીધા છે ત્યારે અંધેરી (પૂર્વ) વિધાનસભા બેઠકની આગામી પેટા-ચૂંટણી માટે ઉદ્ધવ ઠાકરે જૂથે નવા ત્રણ નામ અને ચૂંટણી પ્રતિકોની યાદી ચૂંટણી પંચને સુપરત કરી હોવાના અહેવાલો છે.

ચૂંટણી પંચે ઉદ્ધવ અને શિંદે, બંને જૂથને આદેશ આપ્યો છે કે તેમણે મનાઈ ફરમાવેલા નામ અને ચૂંટણી પ્રતિકનો ઉપયોગ કરવો નહીં અને નવા નામ અને પ્રતિક માટે ત્રણ-ત્રણના સૂચનની યાદી સુપરત કરવી. ચૂંટણી પંચ એમાંથી બંનેને એક-એકની ફાળવણી કરશે. ઉદ્ધવની આગેવાની હેઠળના જૂથે સૂચવેલા ત્રણ નામ છેઃ ‘શિવસેના બાળાસાહેબ ઠાકરે’, ‘શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે’ અને ‘શિવસેના પ્રબોધન ઠાકરે’. ઉદ્ધવ જૂથે તેના ચૂંટણી પ્રતિક તરીકે પણ ત્રણ વિકલ્પ આપ્યા છે – ત્રિશુળ, ઉગતો સૂરજ અને મશાલ. શિવસેનાને ધનુષ-બાણનું ચૂંટણી પ્રતિક 1989માં ફાળવવામાં આવ્યું હતું.