મોરબીઃ રાજ્યના મોરબીમાં બનેલી દુર્ઘટનાનાં કારણોની તપાસ માટે સુપ્રીમ કોર્ટમાં એક જનહિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં માગ કરવામાં આવી છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવવા માટે દેશમાં જૂના પૂલ અથવા ઐતિહાસિક સ્થળોએ એકત્ર થતી ભીડને અંકુશમાં લેવા માટે નિયમો બનાવવામાં આવે. સુપ્રીમ કોર્ટ આ અરજી પર 14 નવેમ્બરે સુનાવણી કરશે.
આ જનહિત અરજીમાં માનવીય લાપરવાહીને લીધે આ ઘટનાની તપાસ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની આગેવાનીમાં કરાવવાની માગ કરાવવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારીએ આ જનહિત અરજી દાખલ કરી છે. આ અરજીમાં દેશનાં ઐતિહાસિક સ્થળોએ વહીવટ કરવાના નિયમ બનાવવાની માગ કરવામાં આવી છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. CJI યુયુ લલિતની સામે કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વકીલ વિશાલે કહ્યું હતું કે વિવિધ રાજ્યોમાં આવાં ઐતિહાસિક સ્થળો છે. અમારી માગ છે કે આ કેસની તપાસ માટે ન્યાયિક પંચની રચના કરવામાં આવે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની આગેવાનીમાં ખંડપીઠે 14 નવેમ્બરે આ કેસની સુનાવણીની મંજૂરી આપી હતી.
આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે કાયમી ડિઝેસ્ટર નિયંત્રણ વિભાગ બનાવવાથી આવી દુર્ઘટનામાં તરત બચાવ કામગીરી શરૂ થઈ શકે અને એવી ઘટનાઓને અટકાવી શકાય.
મોરબી દુર્ઘટનામાં ઓરેવાને અનેક ખામીઓ માટે દોષી ઠેરવવામાં આવી છે, જેમાં ફિટનેસ પ્રમાણપત્ર લેવામાં નિષ્ફળતા અને સમય પહેલાં પૂલને ખોલવાનું સામેલ છે.
બીજી બાજુ મોરબી પૂલ દુર્ઘટનાથી મૃતકો માટે બીજી નવેમ્બરે રાજ્યમાં શોક મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં સરકારી ભવનો પર રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે અને કોઈ સમારોહ કે મનોરંજન કાર્યક્રમ આયોજિત કરવામાં નહીં આવે.