PM મોદીની મુલાકાત પહેલાં હોસ્પિટલના રંગરોગાનથી વિપક્ષ લાલચોળ

મોરબીઃ રાજ્યના મોરબીમાં સિવિલ હોસ્પિટલની રાતોરાત કાયાપલટ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. અહીં વડા પ્રધાન મોદી મંગળવારે પીડિતોની મુલાકાત કરશે, જેઓ ઝૂલતા પૂલ તૂટવાની દુર્ઘટનામાં બચી ગયા છે. હોસ્પિટલમાં રંગરોગાન કરવા પર વિરોધ પક્ષોએ તીખી આલોચના કરી હતી.

મચ્છુ નદી પર બનેલો કેબલ સસ્પેશન પૂલ તૂટવાની જીવલેણ દુર્ઘટના પછી વડા પ્રધાન બપોરે એક કલાકે મોરબીની મુલાકાત લેશે. આ દુર્ઘટનામાં 47 બાળકો સહિત 190 લોકોનાં મોત થયાં છે, જ્યારે 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને મોરબીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

વડા પ્રધાન મોદી આ હોસ્પિટલની મુલાકાત પહેલાં હોસ્પિટલના રંગરૂપ બદલવાનું કામ ચાલી રહ્યું છે. હોસ્પિટલમાં બેડ પર ચાદરો બદલવામાં આવી રહી છે. સાફસફાઈ ચાલી રહી છે. જૂના કૂલર અને પોપડાં ઊખડતી દીવાલો અને છતને મરામત કરવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે.

આ હોસ્પિટલમાં ચાલી રહેલા જીર્ણોદ્ધારની વિરોધ પક્ષો- કોંગ્રેસ, આમ આદમી પાર્ટીએ ભાજપની ટીકા કરતાં જણાવ્યું હતું કે વડા પ્રધાનનું ફોટોશૂટ કરવા માટે ઇવેન્ટ મેનેજમેન્ટમાં વ્યસ્ત હોવાનો આરોપ લગાડવામાં આવી રહ્યો છે. આ દુર્ઘટનાને ત્રાસદી બતાવતાં કોંગ્રેસે સત્તાવાર ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કર્યું હતું કે આવતી કાલે વડા પ્રધાન મોરબીની સિવિલ હોસ્પિટલ જશે, એ પહેલાં ત્યાં રંગરોગાનનું કામ ચાલી રહ્યું છે, જેથી PM મોદીના ફોટો શૂટમાં કોઈ કમી ના રહે. એની બધી વ્યવસ્થા જોરશોરથી થઈ રહી છે.