ઓરેવાના બે કર્મચારી સહિત નવની ધરપકડ, MD જયસુખભાઈ ભૂગર્ભમાં

મોરબીઃ મોરબીમાં પૂલ તૂટ્યા પછી પોલીસે ઓરેવાના બે કર્મચારીઓની ધરપકડ કરી છે. આ બંને પૂલનું દેખરેખનું કામ કરતા હતા.પોલીસે આ બે કર્મચારી સહિત નવ જણની ધરપકડ કરી છે. પોલીસે મોરબી દુર્ઘટના મામલે નવ આરોપીઓમાં દીપક પારેખ, દિનેશ દવે, મનસુખ ટોપિયા, મહાદેવ સોલંકી, પ્રકાશ પરમાર, દેવાંગ પરમાર,અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ અને મુકેશ ચૌહાણની ધરપકડ કરી છે. પોલીસ હજી અનેક કર્મચારીઓને શોધી રહી છે. ઓરેવા પાસે આ પૂલનો સમારકામ કરવાનો કોન્ટ્રેક્ટ હતો. આ પકડવામાં આવેલા બંને કર્મચારીઓ કંપનીમાં મધ્યમ સ્તરે કામ કરતા હતા. રાજ્ય સરકાર દ્વારા નદીમાં ચલાવવામાં આવતું રેસ્ક્યુ ઓપરેશન આજ માટે બંધ કરવામાં આવ્યું છે.

30 ઓક્ટોબરની સાંજે આશરે 6.30 કલાકે કેબલ પૂલ તૂટવાથી 190તી વધુ લોકોનાં મોત થયાં હતાં. હજી ચાર દિવસ પહેલાં જ આ પૂલનું સમારકામ કરવામાં આવ્યું હતું. જોકે વહીવટી તંત્રનું કહેવું હતું કે આ પૂલને ફિટનેસ સર્ટિફિકેટ નહોતું આપવામાં આવ્યું. તેમ છતાં કંપનીએ પૂલ ખોલી દીધો હતો અને પૂલ પર પ્રવાસીઓને જવા માટે ટિકિટ વેચવામાં આવતી હતી અને ટિકિટ નક્કી કિંમતથી વધુ પૈસા લઈને વેચવામાં આવતી હતી.મોરબીમાં પૂલનું નિર્માણ કરનાર ઓરેવા ગ્રુપમાં 5000 મહિલા કર્મચરીઓ કામ કરી રહી છે અને કંપનીનું ટર્નઓવર વર્ષેદહાડે રૂ. 800 કરોડનું છે. ગ્રુપ વોલ ક્લોકથી સિરામિક અને બલ્બ ક્ષેત્રે ટોચ પર છે. જોકે આ પૂલની દુર્ઘટના પછી કંપનીના MD જયસુખ પટેલ ભૂગર્ભમાં જતા રહ્યા છે.

જોકે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં ઝૂલતો પુલ મેઇન્ટેઇન અને મેનેજ કરનારી એજન્સી એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ ઓરેવાનો તેમાં ઉલ્લેખ નથી કરવામાં આવ્યો.