મોરબી પુલ દુર્ઘટનાઃ ચાર્જશીટમાં પટેલ ભાગેડુ આરોપી

મોરબીઃ મોરબીમાં 30 ઓક્ટોબરે તૂટી પડેલા ઝૂલતા પુલની ઘટનામાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. મોરબી પોલીસ દ્વારા કુલ 1262 પાનાંની ચાર્જશીટ રજૂ કરી છે. પોલીસે રજૂ કરેલી ચાર્જશીટમાં કુલ 10 લોકોને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. જેમાં ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલનો પણ સમાવેશ થાય છે.  સરકારી વકીલે જણાવ્યું હતું કે સોમવારે 90 દિવસ પૂર્ણ થવાના છે. 90 દિવસ પૂર્ણ થાય એ પહેલાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. 

મોરબી દુર્ઘટના બની ત્યારથી જયસુખ પટેલ ગાયબ છે. લગભગ ત્રણ મહિના બાદ પણ પોલીસ તેમને હજુ સુધી નહોતી શોધી શકી. બીજી તરફ, દુર્ઘટના બન્યાના ગણતરીના સમયમાં જ ત્યાં ફરજ બજાવતા ચોકીદાર, ઓરેવાના મેનેજર તેમજ ટિકિટ બારીના ક્લાર્ક સહિત નવ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

મોરબી દુર્ઘટનામાં 135 લોકોનાં મોત થયાં હતાં. પોલીસે 1262 પાનાંની ચાર્જશીટ ફાઇલ કરી છે. જેમાં કલમ 308, 304, 336, 338 અને 114 હેઠળ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જયસુખ પટેલ વિરુદ્ધ પોલીસે 22 જાન્યુઆરીએ ધરપકડ વોરન્ટ ઇશ્યુ કર્યું હતું. ભૂગર્ભમાં રહેલા જયસુખ પટેલે આગોતરા જામીન અરજી કરી હતી, જેના પર હજુ સુધી કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો.

હાઈકોર્ટે પણ આ મામલે મોરબી નગરપાલિકાની આકરી ઝાટકણી કાઢી હતી. આ ઘટનાની હાઈકોર્ટ દ્વારા સુઓમોટો રિટ દાખલ કરવામાં આવી છે. હાઈકોર્ટનું આકરું વલણ જોતાં ઓરેવાએ પહેલી વાર બ્રિજ તૂટી પડવાની ઘટનામાં પોતાની ભૂલનો સ્વીકાર કર્યો હતો.