મૂર્ધન્ય સાહિત્યકાર મોહમ્મદ માંકડને સાહિત્ય ગૌરવ પુરસ્કાર એનાયત

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે મૂર્ધન્ય સાહિત્યકાર મોહમ્મદ માંકડને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્ય ગૌરવ પૂરસ્કાર આપવામાં આવ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ આ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાતી સાહિત્યના ભવ્ય વારસામાંથી ભવિષ્યની પેઢી પણ પ્રેરણા લઇ આપણા આ મહામૂલા વારસાને સમજે-સાચવે, આત્મસાત કરે તેની આવશ્યકતા છે.

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા દર વર્ષે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, સિંધી, ઊર્દૂ અને કચ્છી ભાષામાં મહત્વનું પ્રદાન કરનારા મૂર્ધન્ય સાહિત્યકારોને સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. મુખ્યમંત્રીએ આ સાહિત્ય ગૌરવ પુરસ્કારની નવતર ગરિમા પ્રસ્થાપિત કરતાં ૯૦ વર્ષીય વડીલ મોહમ્મદ માંકડના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને સામે ચાલીને જઇને આ પુરસ્કાર તેમને સન્માન સહ અર્પણ કર્યો હતો.

મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, મોહમ્મદ માંકડે ૭ દાયકાથી વધુ સમયથી સંસ્કારી અને ચિંતનાત્મક સાહિત્ય સર્જનથી ગુજરાતી સાહિત્ય-ભાષા જગતની ઉત્તમોત્તમ સેવા કરી છે. તેમણે અવિરત અને એકધારૂં યોગદાન આપીને પોતાની લેખની દ્વારા સમગ્ર ગુજરાતી સાહિત્યને ઉજાળ્યું છે એમ પણ મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીએ મોહમ્મદ માંકડના સુસ્વાસ્થ્ય અને દીર્ધાયુની કામના કરતા જણાવ્યું કે, તેઓ હજુ વધુ સુંદર-ઉત્કૃષ્ટ સાહિત્ય આપણને આપે તથા નવી પેઢીમાં સાહિત્ય-સંસ્કારના સિંચનમાં અવિરત પ્રદાન કરતા રહે. તેમણે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સાહિત્ય, સંગીત અને અન્ય લલિત કળાઓના સંવર્ધન માટે એક ભવ્ય સાંસ્કૃતિક ભવનના નિર્માણની નેમ પણ દર્શાવી હતી.