માઇક્રોન 2.75 અબજ ડોલરના મૂડીરોકાણ દ્વારા પ્લાન્ટ સ્થાપશે

અમદાવાદઃ ચિપ બનાવતી અમેરિકી કંપની માઇક્રોન ટેક્નોલોજીએ ગુજરાતમાં નવો સેમીકન્ડક્ટર ચિપ પ્લાન્ટ લગાવવાની જાહેરાત કરી છે. કંપની આ પ્લાન્ટમાં 2.75 અબજ ડોલરનું મૂડીરોકાણ કરશે. કંપનીનું ભારતમાં આ પહેલવહેલું મૂડીરોકાણ હશે. આ પ્લાન્ટને લગાવવા માટે માઇક્રોન ટેક્નોલોજી 82.5 કરોડ ડોલરનું મૂડીરોકાણ કરશે.

કંપનીએ કહ્યું હતું કે કેન્દ્ર અને ગુજરાતના સહયોગથી આ ચિપ સુવિધા લગાવવા માટે કંપની દ્વારા 2.75 અબજ ડોલર (રૂ. 22,540 કરોડ)નું મૂડીરોકાણ કરવામાં આવશે, જેમાં 50 ટકા કેન્દ્ર અને 20 ટકા રાજ્ય સરકાર પણ મૂડીરોકાણ કરશે. કંપનીએ જણાવ્યું હતું કે આ નવા પ્લાન્ટના બાંધકામનો પ્રારંભ 2023માં જ શરૂ થશે અને 2024ના અંત સુધીમાં કંપનીના પ્લાન્ટમાં ઉત્પાદન ચાલુ થઈ જશે. આ ચિપ પ્લાન્ટના બીજા તબક્કા પર કામ આ દસકાના બીજા મધ્યમ ભાગથી શરૂ કરવામાં આવશે. કંપનીએ કહ્યું હતું કે બંને તબક્કા દ્વારા 5000 સીધી રોજગારીનું સર્જન થશે, જ્યારે 15,000 લોકોને આગામી કેટલાંક વર્ષો સુધી રોજગારી મળતી રહેશે.

અમેરિકામાં કંપનીના CEO સંજય મહેરોત્રાની સાથે વડા પ્રધાન મોદીની બેઠક પછી આ સોદાની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આ સેમી કન્ડકટ્ર પ્લાન્ટ લગાવવાના પ્રોજેક્ટને કેબિનેટની પહેલાં જ મંજૂરી મળી ગઈ છે. રાજ્યમાં વેદાંતાના અનિલ અગ્રવાલ પણ સેમી કંડક્ટર પ્લાન્ટ લગાવવાની જાહેરાત કરી ચૂક્યા છે.