રાજ્યમાં સર્વત્ર વરસાદી માહોલ બંધાયો છે. ત્યારે હવામાન વિભાગે પણ આગામી 20 જુલાઈ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારમાં સામાન્યથી ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે જણાવ્યું છે કે એક સાથે ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. આ વચ્ચે આજે આગાહીના પગલે સુરતાના ઉમરપાડામાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી હતી. આજે બે કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આજે સવારે 6 વાગ્યે પુરા થતાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 68 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મોડાસામાં 90 MM, દાહોદમાં 64 MM, ઉમરપાડામાં 45 MM, ગોધરામાં 38 MM,વીરપુરમાં 37 MM સહિત રાજ્યના અન્ય તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો.
ઉમરપાડમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાતા જનજીવન પ્રભાવિત થયું છે. મોવીથી ડેડીયાપાડાના રસ્તા ઉપર યાલ ગામ નજીક નાળું અને રસ્તો ધોવાતા રસ્તો બંધ થયો છે. રસ્તો બંધ થતા વાહનો ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પંચમહાલ જિલ્લામાં ગોધરા સહિતના કેટલાક વિસ્તાકમાં વરસાદ નોંધાયો હતો. રાત્રિ સમયના વરસેલા વરસાદથી અનેક વિસ્તારો પાણી-પાણી થયા. નેત્રંગ પંથકમાં અનરાધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. માત્ર ચાર કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસતા અનેક નદી નાળા છલકાયા છે. અમરાવતી અને કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ છે. આ ઉપરાંત નદી કિનારે આવેલી સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાયા છે. ભારે વરસાદના પગલે તંત્ર દ્વારા એલર્ટ પણ આપવામાં આવ્યું હતું. લુણાવાડા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ગત મધ્ય રાત્રિએ ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. બીજી તરફ ધોધમાર વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
નર્મદા જિલ્લામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. ગરુડેશ્વરમાં બે કલાકમાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે. જિલ્લાના સાગબારા, ડેડીયાપાડા, તીકલવાળા સહિત રાજપીપલા શહેર માં ધોધમાર વરસાદ ખાબક્યો છે. સુરતના ઉમરપાડા વિસ્તારમાં 10 ઈંચ વરસાદને પગલે સુરત જિલ્લાનું ઇકો ટુરિઝમ દેવઘાત ધોધ જતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. લોલેવલ કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. મોહન નદીના પાણી ફરી વળતા રસ્તો બંધ થયો છે.