રાજ્યમાં નવરાત્રિનો પાવન તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં દુષ્કર્મ અને ગેંગ રેપના કિસ્સામાં પણ વધારો થયો છે. થોડા દિવસો પહેલા સુરત જિલ્લામાં મોટા બોરસરા ગામની સીમમાં 9 ઓક્ટોબર,2024ના રોજ સગીરા પર સામુહિક દુષ્કર્મની ઘટનાથી ચકચાર મચી ગયો હતો. પોલીસને જાણ થતાં તાત્કાલિક હરકતમાં આવી ત્રણેય આરોપીની ઓળખ કરી લીધી હતી. આ 3 આરોપીઓ પૈકી 2 નરાધમ એવા મુન્ના કરબલી પાસવાન અને શિવ શંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયાને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે રાજુ નામનો આરોપી ફરાર થઈ ગયો હતો. આજે બપોર બાદ ત્રણમાના એક આરોપી એવા શિવ શંકર ચૌરસિયાની તબિયત લથડતા સુરત સિવિલમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થઈ ગયું છે.
માંગરોળના મોટા બોરસરા ગામે સગીરા પર દુષ્કર્મ ગુજરનારા સામાન્ય નહીં પરંતુ રીઢા ગુનેગાર હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. સગીરા પર દુષ્કર્મ ગુજારનાર ત્રણ પૈકીના બે નરાધમો મુન્ના પાસવાન અને શિવશંકર ચૌરસિયા રીઢા ગુનેગાર છે. તેમાં પણ શિવશંકર ચૌરસિયા સામે હત્યાનો ગુનો નોંધાયેલો છે. આ ગેંગરેપ અંગે માહિતી આપતા સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહે જણાવ્યું હતું કે, મોટા બોરસરા ગામ નજીક સગીર અને સગીરા રાત્રે ઊભા રહીને વાતચીત કરતા હતા. એ દરમિયાન બાઈક પર ત્રણ નરાધમો આવ્યા હતા. પહેલા તો એમણે આવીને અહીં કેમ ઊભા છો? એમ કહીને ધમકાવ્યા હતા અને બાદમાં માર મારવાનું શરૂ કર્યું હતું. બંનેના મોબાઈલ પણ નરાધમોએ લઈ લીધા હતા. તરૂણ અને તરૂણી બંનેના કપડાં ઉતરાવી તેમના ફોનમાં નગ્ન ફોટો પાડી લેવામાં આવ્યા હતા. આ ફોટો વાઇરલ કરવાની નરાધમોએ ધમકી આપી હતી અને તરૂણીને પોતાની સાથે શરીર સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. જો કે, જે-તે સમયે તરૂણ અને તરૂણી બંને નરાધમોને વશ થયા નહોતા અને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે સગીરા પડી જતા આરોપીઓએ તેને પકડી લીધી હતી અને શેરડીના ખેતરમાં લઈ જઈ ગેંગરેપ કર્યો હતો. બાદમાં સગીરાનો મિત્ર બાજુમાં રહેલા માછીમારોને જાણ કરી હતી અને ગ્રામજનો દોડી આવી સગીરાને લઈ હોસ્પિટલ ખસેડી હતી.