ગુજરાતમાં પ્રદૂષણ વધતા ફેફસાની બીમારીના દર્દી વધ્યા

અમદાવાદ: ગુજરાતમાં તહેવારોની સિઝન પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ તહેવારોની સાઈડ ઈફેક્ટ ચાલતી હોય તેવું લાગી રહ્યું છે. દિવાળી અને નવરાત્રિના તહેવારો દરમિયાન ગુજરાત સહિત દેશમાં પ્રદૂષણના પ્રમાણમાં પણ ઉતરોતર વધારો થતો જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઓક્ટોબર અને નવેમ્બર સહિતના બે માસમાં અમદાવાદ સહિત ગુજરાતમાં પ્રદુષણનું પ્રમાણ વધતા ફેફસાના દર્દીઓમાં વધારો નોંધાયો છે. 108 એમ્બ્યુલન્સ સર્વિસમાં નોંધાયેલા દર્દીઓની સંખ્યા મુજબ અમદાવાદમાં 32 ટકાનો અને સમગ્ર ગુજરાતમાં 38 ટકાનો વધારો થયો છે.

અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ગત વર્ષે ઓક્ટોબરમાં શ્વાસ લેવાની તકલીફના 2267 દર્દી નોંધાયા હતા અને જે આ વર્ષે ઓક્ટોબરમાં વધીને 3201 થયા હતા.આમ 41.20 ટકા વઘ્યા છે. જ્યારે ગત વર્ષે નવેમ્બરમાં 3201 દર્દી હતા જે આ વર્ષે નવેમ્બરમાં વધીને 2631 થયા છે. આમ 22.26 ટકા વઘ્યા છે. ગત વર્ષે અમદાવાદમાં બે માસ(ઓક્ટોબર-નવેમ્બર)માં નોંધાયેલા કુલ 4419 ફેફસાના દર્દીઓ સામે આ વર્ષે બે માસમાં( ઓક્ટોબર-નવેમ્બર) 5832 દર્દી નોંધાયા છે. આમ અમદાવાદમાં 31.98 ટકાનો ફેફસાના દર્દીમાં વધારો થયો છે. જ્યારે ગુજરાતભરમાં 2023ના બે માસ ઓક્ટોબર અને નવેમ્બરની વાત કરીએ તો  શ્વાસ લેવાની તકલીફ સાથે નોંધાયેલા દર્દી ઓક્ટોબરમાં 8602 અને નવેમ્બરમાં 8149 હતા.જે 2024માં અનુક્રમે વધીને 12351 અને 10789 થયા હતા.આમ  ગત વર્ષના ઓક્ટોબર માસની સરખામણીએ આ વર્ષે ઓક્ટોબરમાં 43.58 ટકા અને નવેમ્બરમાં 32.40 ટકા દર્દી વઘ્યા છે. જ્યારે આ બે માસમાં ગત વર્ષે ગુજરાતમાં કુલ 16751 દર્દી નોંધાયા હતા અને જે આ વર્ષે વધીને 23140 થયા છે. આમ ગુજરાતમાં સરેરાશ 38.14 ટકા દર્દી વઘ્યા છે.