અમદાવાદઃ ગુજરાતમાં દક્ષીણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં તો પ્રથમ રાઉન્ડમાં જ સારો વરસાદ વરસ્યો હતો. તો સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ નોંધાયો છે. તો બીજા રાઉન્ડમાં અમદાવાદ સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન બન્યા છે. પરંતુ અમદાવાદમાં દર વર્ષની સરખામણીએ અત્યાર સુધી ઓછો વરસાદ નોંધાયો છે.
તો ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં વરસાદ જરુરિયાત કરતા ઓછો થતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે. કચ્છના લખપતમાં આ વર્ષે સીઝનનો માત્ર 0.47 ઈંચ જ વરસાદ પડ્યો છે. તો લખપત, વાવ, નખત્રાણા, અને ભૂજ સહિતના 11 તાલુકાઓમાં 4 ઈંચ કરતા ઓછો વરસાદ પડ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચોમાસાની આ ઋતુમાં અત્યાર સુધી 68.70 ટકા વરસાદ નોંધાયો છે, અને મોસમનો 89.17 ટકા વરસાદ પડી ચૂક્યો છે. પરંતુ હજી પણ રાજ્યના કાંકરેજ, જોટાણા, થરાદ, ભુજ, નખત્રાણા, સુઇગામ, રાપર, અબડાસા, વાવ અને લખપત સહિતના કુલ 11 તાલુકામાં વરસાદ ચાર ઇંચ કરતા પણ ઓછો પડ્યો છે. જિલ્લા અનુસાર વાત કરીએ તો કચ્છ, પાટણ, બનાસકાંઠા, અને મહેસાણામાં ખૂબ જ ઓછો વરસાદ પડ્યો છે.
લખપતમાં છેલ્લા 30 વર્ષની સરખામણીમાં ઓછો વરસાદ આ વર્ષે નોંધાયો છે. વાવની પણ સ્થિતિ તેવી જ છે. આમ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વરસાદ સાધારણ જ રહ્યો છે. ત્યારે હાલ ઓછા વરસાદને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ઓછો વરસાદ વરસ્યો હોવાના કારણે ખેડુતોને ખેતીલાયક પાણી માટે સમસ્યા સર્જાઈ શકે છે. પરંતુ નોંધનીય વાત એ પણ છે કે સરકારે ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતોને પાણી આપવાની જાહેરાત કરી છે. જેથી ખેડુતોને ચોક્કસ પણ રાહત થશે પરંતુ ચોમાસુ નબળુ રહેવાની અસરો પણ ચોક્કસપણે વર્તાશે.