હાર્દિક પટેલનું ઉપવાસ આંદોલન શરુ, મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા

અમદાવાદઃ પાસના કન્વિનર હાર્દિક પટેલના આજથી આમરણાંત ઉપવાસ શરુ થઈ ગયા છે. હાર્દિક પટેલે ઉપવાસના સ્થળને લઈને મંજૂરી માંગી હતી પરંતુ મંજુરી ન મળતા અમદાવાદ સ્થિત તેના ઘરેથી જ હાર્દિક પટેલ ઉપવાસ કરી રહ્યો છે. ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થાય અને પાટીદાર સમાજને અનામત મળે તેવી મુખ્ય માંગણીઓ સાથે હાર્દિક પટેલે આજથી આમરણાંત ઉપવાસ શરુ કરી દીધા છે.

હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને લઈને કોંગ્રેસના 25 જેટલા ધારાસભ્યોએ હાર્દિકને ખુલ્લો ટેકો જાહેર કર્યો છે. કોંગ્રેસના 4 ધારાસભ્યો સહિત પાસના અગ્રણીઓ ઉપવાસ પર બેઠા છે. હાર્દિક પટેલ સાથે ઉપવાસ આંદોલનમાં જોડાવા માટે મોટી સંખ્યામાં પાટીદારો હાર્દિક પટેલના નિવાસ સ્થાને એકઠા થયા હતા. તો સાથે જ કોંગ્રેસના ધારાસભ્યો લલિત વસોયા, લલિત કગથરા, અને કિરીટ પટેલ પણ હાર્દિકના સમર્થન માટે પહોંચી ગયા છે. મહત્વનું છે કે હાર્દિક પટેલે ઉપવાસના સ્થળને લઈને મંજૂરી માંગી હતી પરંતુ કોઈ જગ્યાએ મંજૂરી ન મળતા હાર્દિક પટેલે પોતાના ઘરેથી જ ઉપવાસ આંદોલન કરવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે અમુક જિલ્લાઓમાં 144 લાગું કરી દેવાઈ છે.

તો આ તરફ હાર્દિક પટેલના ઉપવાસને લઈને પોલીસ એક્શનમાં આવી ગઈ છે. હાર્દિકના ઘર બહાર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. અહીં આવતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ સિવાય પાટીદાર ગઢ ગણાતા પૂર્વના વિસ્તારો અને બાપુનગર, ઓઢવ, નિકોલ સહિત અનેક વિસ્તારોમાં પોલીસનો મોટો ખડકલો કરી દેવામાં આવ્યો છે.

હાર્દિક પટેલના ઉપવાસને પગલે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સ્થાનિક પોલીસ સાથે SRPની ત્રણ ટુકડી ખડે પગે કરી દેવામાં આવી છે. સાથે 3 DCP, 8 ACP, 35 PI, 200 PSI અને 3000 પોલીસ જવાનો સુરક્ષા માટે તહેનાત કરવામાં આવ્યા છે. આ સિવાય સોશિયલ મીડિયામાં હાર્દિકના ઉપવાસને પગલે કોઈ ખોટા મેસેજનો ફેલાવો ન થાય તે માટે સાયબર ક્રાઈમ સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખી રહ્યું છે.

જો કે હાર્દિકે ઉપવાસ પર બેસતાં પહેલાં સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ કર્યો હતો. જેમાં લખ્યું છે, “પ્લીઝ હેલ્પ,ગુજરાતમાં અંગ્રેજ હુકુમત રાજ કરી રહી છે. ખેડૂતોની દેવામાફી અને અનામત માટે મારા ઉપવાસ”. હાર્દિકે તેના નિવાસસ્થાને જ ઉપવાસ પર બેઠો છે. 

હાર્દિકના ઘરની આસપાસ મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા છે. મુસ્લિમ સમાજ પણ હાર્દિકને સમર્થન આપવા માટે હાર્દિકના નિવાસસ્થાને પહોંચી ગયો હતો. હાર્દિકને સમર્થન આપવા કોંગ્રેસના નેતા કિરિટ પટેલ, શશિકાંત પટેલ, ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ, ધારાસભ્ય બદરૂદ્દીન શેખ સહિત અન્ય નેતાઓએ મુલાકાત લીધી હતી. 

(તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)