રાજકોટ અગ્નિકાંડમાં STI તપાસના ધમધમાટ શરૂ થયા છે. સરકારના એક્શન મોડમાં આવી છે. સરકારે 6 સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. તો હવે બીજી બાજુ રાજકોટ અગ્નિ કાંડમાં રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસ વતી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ મેદાને ઉતરી આવ્યા હતા અને તેમણે એક પત્રકાર પરિષદને સંબોધતાં સરકાર અને પોલીસ તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતા.
પ્રેસ કોન્ફરેન્સમાં શક્તિસિંહ ગોહિલે કહ્યું કે સરકારેને મારો પડકાર છે કે તેઓ આ ઘટના જાતે નિર્ણય કરે અને પીડિતોને સારામાં સારું વળતર આપે. ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરે. તમારે દાખલો બેસાડવાની જરૂર છે. લીપાથોપી બંધ કરવી જોઈએ. માનવતાના નામે કડકમાં કડક કાર્યવાહી કરો. જે કોઈ ઊંચા અધિકારીઓની આ અગ્નિકાંડમાં સંડોવણી છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે.
તેમણે કહ્યું કે જ્યારે પણ ધનિકો સામે કાર્યવાહી કરવાનો વારો આવે છે તો સરકાર કે પોલીસ દ્વારા ઢીલું વલણ અપનાવવામાં આવે છે. જ્યારે ગરીબ વ્યક્તિ દ્વારા કોઈ ઝૂંપડું બાંધે કે પછી નાનકડો ઓટલો પણ બાંધવામાં આવે તો મહાનગરપાલિકાઓ દ્વારા બુલડોઝર જેવી કાર્યવાહીઓ કરવામાં આવે છે. પણ જ્યારે ધનિકો દ્વારા લોકોના જીવ સાથે ખિલવાડ કરવામાં આવે તો કોઈ કાર્યવાહી કેમ નથી કરાતી. તેમણે કહ્યું કે તંત્રએ આંખ આડા કાન કર્યા છે. ફાયર સેફ્ટી જેવા પગલા પણ ન લેવાયા. તેમ છતાં કોઈ કાર્યવાહી નહીં. આ રાજકોટ મહાનગરપાલિકાનું નબળું વલણ દર્શાવે છે. હપ્તારાજને કારણે જ આવી ઘટનાઓ બની રહી છે.
સરકાર પર શક્તિસિંહનો પ્રહાર
શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદનું આયોજન કરી સરકારીને બોધ પાઠ લેવાની વાત કરતા કહ્યું કે, આ દુર્ઘટનામાંથી સરકારે બોધપાઠ લેવાની જરૂર છે. સરકાર ફક્ત મોટી માછલીઓને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. ગેમ ઝોનનું પાપ છુપાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. રાજકોટમાં હપ્તારાજ ચાલે છે. નાના અધિકારીઓને ફસાવીને મોટા અધિકારીઓને બચાવવાના પ્રયાસ થઈ રહ્યા છે.
