ગાંધીનગરઃ ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર, નવલકથાકાર, કટારલેખક મોહમ્મદ માંકડ સાહેબનું નિધન થયું છે. તેઓ ૯૪ વર્ષના હતા. એમણે ગઈ કાલે સાંજે અહીં આખરી શ્વાસ લીધો હતો.
મોહમ્મદભાઈની અનેક નવલકથાઓ લોકપ્રિય થઈ છે, જેમ કે, ‘કાયર’, ‘ધુમ્મસ’, ‘અજાણ્યા બે જણ’, ‘ગ્રહણરાત્રિ’, ‘મોરપિચ્છના રંગ’, ‘વંચિતા’, ‘રાતવાસો’, ‘ખેલ’, ‘દંતકથા’, ‘મંદારવૃક્ષ નીચે’ વગેરે. તે જ પ્રમાણે, એમના નવલિકા સંગ્રહ – ‘ઝાકળનાં મોતી’, ‘મનના મરોડ’, ‘વાતવાતમાં’ પણ વાચકોમાં લોકપ્રિય થયા છે. એમના દ્વારા લિખિત પ્રેરણાત્મક નિબંધો છેઃ ‘આજની ક્ષણ’, ‘કેલિડોસ્કોપ’ (ભાગ ૧-૪), ‘સુખ એટલે’, ‘આપણે માણસો’ (ભાગ ૧-૨). એમની બાળકથાઓ – ‘ચંપૂકથાઓ’ બાળકોમાં પ્રખ્યાત હતી.
મોહમ્મદભાઈ માંકડનો જન્મ 13 ફેબ્રુઆરી, 1928ના રોજ ભાવનગર જિલ્લાના પાળીયાદ ગામે થયો હતો. એમણે 1982થી 1984 સુધી ગુજરાત સાહિત્ય એકાદમીના પ્રથમ અધ્યક્ષ તરીકે સેવા બજાવી હતી. તેઓ 1984થી 1990 સુધી ગુજરાત જાહેર સેવા પંચ તેમજ ગુજરાત યુનિવર્સિટીની સેનેટના સભ્ય પણ હતા. મોહમ્મદભાઈને ગુજરાતી સાહિત્યમાં યોગદાન આપવા બદલ 2018માં ‘સાહિત્ય ગૌરવ પુરસ્કાર’, ‘રણજીતરામ સુવર્ણ ચંદ્રક’ જેવા પુરસ્કારોથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
પરમ કૃપાળુ પરમાત્મા સ્વર્ગસ્થના પવિત્ર આત્માને ચિર શાંતિ અર્પે તેવી પ્રાર્થના. આદરણીય અનીસ માંકડ સાહેબ અને પરિવારજનોને આ ઊંડો આઘાત સહન કરવાની શક્તિ બક્ષે તેવી પ્રાર્થના.