પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી-મહોત્સવ માટે રાષ્ટ્રપતિ, વડાપ્રધાનને આમંત્રણ

અમદાવાદઃ સ્વામીનારાયણ સંપ્રદાયની બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા (બીએપીએસ) દ્વારા તેના આધ્યાત્મિક ગુરુ અને પ્રમુખ, પ્રમુખસ્વામી મહારાજના જન્મશતાબ્દી મહોત્સવની મહિનો લાંબી ચાલનારી ઉજવણીમાં સહભાગી થવાનું રાષ્ટ્રપતિ દ્રૌપતી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. 1921ની 7 ડિસેમ્બરે જન્મેલા પ્રમુખસ્વામી મહારાજ 1950માં સંપ્રદાયના વડા બન્યા હતા અને 2016ની 13 ઓગસ્ટે એમનું દેહાવસાન થયું હતું.

પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી ઉજવણી કાર્યક્રમોનો આરંભ આ વર્ષની 15 ડિસેમ્બરથી કરાશે અને તે 2023ની 15 જાન્યુઆરી સુધી ચાલુ રખાશે. આ ઉજવણી અમદાવાદના એસ.પી. રિંગ રોડ નજીક 600 એકર જમીન પર ઊભા કરવામાં આવેલા પ્રમુખસ્વામી નગરમાં કરવામાં આવશે, એમ બીએપીએસ સંસ્થાએ એક નિવેદનમાં જણાવ્યું છે.