10 હજારથી વધુ વિદ્યાર્થીઓ ઝીલી રહ્યાં છે શ્રેષ્ઠતા પૂરવાર કરવાની તક

ગાંધીનગર- અમદાવાદમાં એલ.ડી. કોલેજ ઓફ એન્જીનિયરીંગ દ્વારા આયોજિત બે દિવસીય ISTE સ્ટુડન્ટસ નેશનલ કન્વેન્શનનો પ્રારંભ થયો છે. આ કન્વેન્શનમાં દેશભરના ૧૦ હજારથી વધુ યુવા છાત્રો ૭૦થી વધુ વિવિધ સ્પર્ધાઓમાં પોતાના ટેકનિકલ-વૈજ્ઞાનિક જ્ઞાન- કૌશલ્યની શ્રેષ્ઠતા પ્રદર્શિત કરશે.

નેશનલ કન્વેન્શનને ખુલ્લુ મુકતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ યુવાશકિતના ટેકનીકલ ઇનોવેશન્સને સ્ટાર્ટઅપથી નવું બળ આપી ર૦ર૦ સુધીમાં રાજ્યમાં ર૦૦૦થી વધુ નવા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપી તૈયાર કરવાની નેમ વ્યકત કરી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, યુવાનોના ટેકનીકલ જ્ઞાન, વિચાર, ક્ષમતા અને રિસર્ચને નવી દિશા આપવા સ્ટાર્ટઅપ અને સ્ટુડન્ટ ઇનોવેશન ચેલેન્જીસના નવા અભિગમો અપનાવ્યાં છે. ગુજરાતે આ અભિગમને આગળ ધપાવતાં રાજ્યમાં રૂ.ર૦૦ કરોડની જોગવાઇ સાથે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી ઘડીને યુવાનોના સપના સાકાર કરવાની દિશા આપી છે.

‘એમ્પાવરીંગ ઇન્ડીયા થ્રુ ઇનોવેશન્સ’ની થીમ સાથે યોજાઇ રહેલું આ કન્વેન્શન યુવા પેઢીના નવા ઇનોવેશન્સ -રિસર્ચથી ‘શેપિંગ એ ન્યુ ઇન્ડીયા’ની સંકલ્પના સાકાર કરશે.

મુખ્યપ્રધાને રાજ્યમાં ઇઝરાયેલના સહયોગથી સ્ટાર્ટઅપને વેગ આપવા સાથે નોલેજ બેઇઝડ ઇકોસિસ્ટમના વિકાસ માટે સાયન્સ ટેકનોલોજી ક્ષેત્રે રિસર્ચ-ડેવલપમેન્ટને વેગ આપવા ઇનોવેશન ફંડ અંતર્ગત રૂ. પ૦ કરોડનું ફંડ રચવાના નિર્ણયની છણાવટ કરી હતી.

ઇઝરાયેલ વ્યકિત દીઠ સ્ટાર્ટઅપ રેવન્યુમાં આખા વિશ્વમાં ટોપ પર છે ત્યારે ગુજરાતમાં ઇઝરાયેલના સહયોગથી આઇ-ક્રિયેટ અને સ્ટાર્ટઅપ ઇનોવેસન્શ માટે આ સરકાર યુવાનોના કૌશલ્યને નિખારવા પ્રતિબધ્ધ છે.

ઇન્ડિયન સોસાયટી ફોર ટેકનીકલ એજ્યુકેશન, ન્યુ દિલ્હીના ચેરમેન પ્રો.પ્રતાપસિંહ દેસાઇએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાંથી ૯ હજારથી વધુ રજીસ્ટ્રેશન થાય છે તે પ્રશંસનીય છે.

ISTEએ રાષ્ટ્રીય ક્ષેત્રે ટેકનોલોજીકલ એજ્યુકેશન સાથે સંકળાયેલી સ્વાયત સંસ્થા છે. સમગ્ર દેશમાંથી ૪૭૭૦ જેટલી એન્જીનીયરીંગ કોલેજો સંસ્થાઓ તેની સભ્ય છે અને પ્રતિવર્ષ લાખો યુવાનોનું એનરોલમેન્ટ થાય છે. સંસ્થાએ ટેકનોલોજીકલ ઇનોવેશન્સને પ્રાધાન્ય આપ્યું છે.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU)ના વાઇસ ચાન્સેલર નવીન શેઠે જણાવ્યું હતું કે, ગુજરાત એ સમગ્ર દેશ માટેનું ફેવરીટ ડેસ્ટીનેશન બન્યું છે. વર્ષ ર૦૧૯ પહેલા ઇનોવેશન્સ માટે મહત્વ અપાતુ ન હતું. પરંતુ વડાપ્રધાને ‘ઇનોવેશન્સ’ને આગવું મહત્વ આપ્યું છે. જી.ટી.યુ. દ્વારા ૧૩ર જેટલા સ્ટાર્ટઅપ્સને સપોર્ટ અપાયું છે.

એલ.ડી.કોલેજ ઓફ એન્જીનીયરીંગના આચાર્ય ડૉ. જી.પી. વડોદરીયાએ જણાવ્યું હતું કે, ‘એમ્પાવરીંગ ઇન્ડિયા થ્રુ ઇનોવેશન’ની થીમ સાથે આ બે દિવસીય સેમિનાર યોજાયો છે. કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, પંજાબ વગેરે રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ અહીં આવ્યા છે. એટલું જ નહી તેમના ઇનોવેશન્સ રજૂ કર્યા છે. તેમણે વિદ્યાર્થીઓના ટેકનોલોજીકલ ઇનોવેશન્સને સમયની માંગ ગણાવ્યા હતાં.