ગુજરાતમાં મેઘ રાજા આ વર્ષે મન મુકી વરસી રહ્યા છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિ ભારે તો કેટલાક વિસ્તારમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાય રહ્યો છે. એવામાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે ચોમાસાને લઈ આગાહી વ્યક્ત કરી છે. આગામી પાંચ દિવસ ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ રહેવાની આગાહી વ્યક્ત કરી છે. આ ઉપરાંત આગામી બે દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે તથા ગુજરાતના વિવિધ ભાગોમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હાલમાં ગુજરાતના દક્ષિણ ભાગમા ઓફ શોર ટ્રફ સક્રિય છે, જેને કારણે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. જ્યારે આજે પણ રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ ભાગ પર એક લો પ્રેશર ઇમ્પ્રેશન સક્રિય છે, જેને કારણે ઉત્તર ગુજરાતના બે જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી છે. આ સિવાય અમદાવાદ અને ગાંધીનગર તથા આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. મળતી માહિતી અનુસાર હાલ સુધીમાં રાજ્યમાં જરૂરિયાત કરતા 20% વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત આ વર્ષે શરૂઆતથી જ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. તેમ છતાં છેલ્લા કેટલાક દિવસોમાં ઉત્તર ગુજરાતમાં મેઘસવારી આવી હતી, જેને કારણે આજ સુધીમાં જરૂરિયાત કરતા 6% વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત માછીમારોને પણ આગામી પાંચ દિવસ દરમિયાન દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, જેમાં આગામી 48 કલાક દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં જ્યારે બે દિવસ બાદ દક્ષિણના ભાગમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
અહેવાલો મુજબ તારીખ 05 ઓગસ્ટ, 2024ના રોજ સવારે 6 કલાકની સ્થિતિએ રાજ્યમાં સરેરાશ 67% થી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે, કચ્છમાં સૌથી વધુ 86% થી વધુ, દક્ષિણ ગુજરાતમાં 81% થી વધુ, સૌરાષ્ટ્રમાં 77% થી વધુ વરસાદ નોંધાયો છે. તો, ઉત્તર ગુજરાતમાં 50% તેમજ પૂર્વ-મધ્ય ગુજરાતમાં 48% થી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે.