સ્ટિયરિંગ વ્હીલ પર ઢળી પડતાં પહેલાં બચાવ્યાં 22 પ્રવાસીઓ, એસટી ડ્રાયવરનું મોત

ડાકોરઃ મોત નજર સામે દેખાતું હોય એ ક્ષણે બાવીસ બાવીસ લોકોનો જીવ બચાવવાની મથામણ કરતાં એસટી નિગમના ડ્રાઈવરના ખબર સામે આવ્યાં છે. સ્ટેટ ટ્રાન્સપોર્ટના ખેડા વિભાગના ડ્રાયવરને તેઓ મુસાફરી દરમિયાન ડ્રાઈવિંગ કરી રહ્યાં હતાં એ સમયે હૃદયરોગનો હુમલો આવ્યો હતો. ત્યારે પોતાની પરવા કર્યાં વિના એસટી ડ્રાયવરે સલામતપણે એસટી બસને રસ્તા પર એકબાજુ ઊભી રાખી દીધી હતી.

આ બસ નડિયાદથી-ગોધરા શહેરમાં જઈ રહી હતી. તેમ જ આ બસમાં 22 મુસાફરો પ્રવાસ કરી રહ્યાં હતાં. એસટી ડ્રાયવરનું જોકે બસને સલામત ઊભી રાખી દીધા બાદ મોત નીપજ્યું હતું. ડાકોર નજીકના માર્ગ પર આ ઘટના બની હતી. હૃદયરોગનો તીવ્ર હુમલો થવાની સ્થિતિમાં પણ અન્ય પ્રવાસીઓનો વિચાર કરનાર ડ્રાયવરની માનવતાને સહુ વંદી રહ્યા હતાં. ડ્રાયવર એસટી બસના સ્ટિયરિંગ પર જ ઢળી પડ્યાં હતાં.

ઘટનાને પગલે ડાકોર પોલિસને જાણ કરવામાં આવતાં પોલિસે સ્થળ પર આવી તપાસ કાર્યવાહી હાથ ધરી હતી અને ડ્રાયવરના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો. સાથે તંત્ર દ્વારા બચી ગયેલાં 22 મુસાફરોને અન્ય બસ મારફતે ગોધરા મોકલવામાં આવ્યાં હતાં.