રવિવારથી રિવરફ્રન્ટ પર માણો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, અવનવાં આકર્ષણો…

ગાંધીનગર: આગામી છઠ્ઠી જાન્યુઆરીના દિવસે રાજ્યપાલ ઓ.પી. કોહલીના હસ્તે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 30માં આંતરરાષ્ટ્રીય ૫તંગ મહોત્સવનો પ્રારંભ કરાશે. શહેરના એનઆઈડી પાછળ આવેલા વિખ્યાત રીવરફ્રંટ મેદાન ઉપર યોજાનાર આ કાર્યક્રમમાં પ્રારંભમાં ભાગવત વિદ્યાપીઠના 200  જેટલા ઋષિકુમારો દ્વારા સૂર્યસ્તુતિ વંદના કરાશે અને શહેરની મ્યુનિસિપલ શાળાઓના બે હજાર ૨૦૦૦ જેટલા બાળકો દ્વ્રારા સૂર્ય-નમસ્કાર પણ યોજાશે. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે.

15 દેશોના રાજદૂતો રહેશે હાજર

30માં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં ૧૫ જેટલા દેશોના રાજદૂતો પણ હાજર રહેનાર છે. આ દેશોમાં પેલેસ્ટાઈન, લિબિયા, ડી.આર. કોંગો, મ્યાનમાર, તનિસિયા, માલી, ઝિમ્બાવે, તાઈપાઈ, બ્રુનેઈ દારુસલેમ, રવાંડા, મલેશિયા જેવા દેશોનો સમાવેશ થાય છે.

45 જેટલા દેશોના 151 પતંગ રસિકો ભાગ લેશે

દેશ-વિદેશમાં આકર્ષણનું કેન્દ્ર બની ચૂકેલા ગુજરાતના આ ઉત્તરાયણ ખૂબ જ મહત્વના તહેવાર પ્રસંગે યોજાઈ રહેલા આ પતંગોત્સવમાં 45 જેટલા દેશોના 151 પતંગ રસિકો ભાગ લેશે. જ્યારે દેશના 13 જેટલા રાજ્યોમાંથી 105 અને રાજ્યના 19  શહેરોના 545  જેટલા પતંગ રસિકો ઉત્સાહભેર ભાગ લેનાર છે.

છઠ્ઠી જાન્યુઆરીના રોજ અમદાવાદ ખાતે પ્રારંભ થયા બાદ આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રાજ્યના વિવિધ અગિયાર જેટલા નાના મોટા નગરો અને ફરવાના સ્થળોએ પણ પતંગોત્સવ યોજાશે. સાતમી જાન્યુઆરીના રોજ વડોદરા ખાતે, આઠમીના રોજ પ્રથમ વાર સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં કેવડિયા ખાતે પતંગોત્સવ યોજાશે. આજ દિવસે સૌરાષ્ટ્રમાં દ્વારકા ખાતે પણ પતંગોત્સવ યોજાનાર છે. નવમીએ રાજકોટ અને સુરત ખાતે જ્યારે, દસમીના રોજ સોનગઢ અને જેતપુર ખાતે યોજાશે. અગિયારમી એ ગુજરાતના એકમાત્ર હિલ-સ્ટેશન સાપુતારા અને કચ્છના ધોરડોમાં પતંગ મહોત્સવ યોજાશે. ધોરડો ખાતે બીજા દિવસ એટલે કે, બારમી જાન્યુઆરીના રોજ પણ સફેદ-રણમાં પતંગોત્સવ યોજાશે. જેનો લાભ રણ-ઉત્સવની મુલાકાતે આવનાર પ્રવાસીઓ પણ લઈ શકશે. છેલ્લા દિવસ એટલે કે ચૌદમી જાન્યુઆરી, ઉત્તરાયણના દિવસે અમદાવાદની પોળોમાં પરંપરાગત રીતે ધાબા અને મકાનોની અગાશીઓ ઉપર પ્રવાસન નિગમ દ્વારા દેશ વિદેશના વિવિધ પતંગ રસિકો સાથે પતંગોત્સવ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.

જોકે અમદાવાદમાં છઠ્ઠી જાન્યુઆરીથી ચૌદમી જાન્યુઆરી દરમિયાન ઉજવણી થશે. આ મહોત્સવ ગુજરાતના પર્યટન ઉદ્યોગ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યો હોઈ, દેશના સોળ જેટલા રાજ્યોમાંથી ટ્રાવેલ ઉદ્યોગના પ્રતિનિધિઓ પણ પતંગોત્સવ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનાર છે.

 આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેનાર પતંગબાજોની વિગતો જોઈએ તો; ભારતના 13 રાજ્યોમાંથી 105  જેટલા પતંગબાજ ભાગ લેવા આવનાર છે એમાં, મહારાષ્ટ્રમાંથી 14, રાજસ્થાનમાંથી 12, કર્ણાટક અને તામીલનાડુમાંથી 7-7, આંધ્રપ્રદેશ, પશ્ચિમબંગાળ અને ઉત્તરપ્રદેશના લખનૌમાંથી 4-4, બિહાર, પંજાબમાંથી 3-3, દિલ્હી અને પુડુચેરીમાંથી 1-1  પતંગબાજોનો સમાવેશ થાય છે.

રાજયના 19 શહેરોમાંથી 545 જેટલા પતંગબાજો લેશે ભાગ

રાજયના 19 શહેરોમાંથી 545 જેટલા પતંગબાજ ભાગ લેનાર છે એમાં, અમદાવાદમાંથી 383, રાજકોટમાંથી 65 , વડોદરામાંથી 42 , સુરતમાંથી 16 , ભૂજમાંથી 8 , ઓડ-આણંદ અને પાટણમાંથી 5-5 , ખંભાળિયામાંથી 3 , માંડવી અને નવસારીમાંથી 2-2, જ્યારે કાલોલ, ખેડા અને જામનગરમાંથી 1-1  પતંગવીર આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમા ભાગ લેનાર છે.

મેદાન ઉપર બનેલાં થીમ પેવેલિયન, ક્રાફ્ટ સ્ટોલ અને ફૂડ કોર્ટમાં આરોગ્યની ખાસ કાળજી લેવાઈ છે અને અઢાર 18  જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યાં છે. છત્તીસગઢ દ્વારા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ અંતર્ગત બે જેટલા ફૂડ સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે.

અહીં મહત્વના આકર્ષણના ભાગરુપે હસ્તકલા કારીગરી દર્શાવતી ક્રાફ્ટ બજાર પણ ઉભી કરાઈ છે. જેમાં, મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા આઠ અને ઇન્ડેક્ષ-સી દ્વારા ચાલીસ જેટલા સ્ટોલ ઉભા કરાયાં છે. ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના થીમને રજૂ કરતા 2  સ્ટોલ પણ ઉભા કરાશે. આ પ્રસંગે ખાસ પ્રસંગોચિત સાંસ્કૃતિક કાર્યક્રમ પણ માણવા મળશે.

આ ઉપરાંત રિવરફ્રંટ ઉપર ખાસ આકર્ષણના ભાગ ટુરિસ્ટ ડેસ્ટીનેશન ઓફ ગુજરાતનું થીમ પેવેલિયન પણ અલગથી ઉભુ કરાશે. પતંગને લગતી કાઈટ ગેલેરી અને ક્રાફ્ટ વર્કશોપ પણ હશે. સ્ટેચુ ઓફ યુનિટી, સીમા દર્શન અને તોરણ હોટેલ્સના મહત્વને પ્રદર્શિત કરતાં પેવેલિયન પણ રાખવામાં આવ્યા છે. જેનો જાહેર જનતા લાભ લઈ શકશે. આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવ અને પ્રવાસની વધુ માહિતી માટે www.gujarattourism.com ની મુલાકાત લો.