કેજરીવાલની મહિલાઓને પ્રતિ મહિને રૂ. 1000 આપવાની ચૂંટણી ‘ગેરન્ટી’

અમદાવાદઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવતી જાય છે, તેમ-તેમ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે આકર્ષક ચૂંટણીવચનો આપી રહ્યા છે.  ખાસ કરીને  દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ફરી એક વાર રાજ્યની વિધાનસભાની ચૂંટણીને જીતવા પૂરી તાકાત લગાવી દીધી છે. તેમણે ટાઉનહોલમાં સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે અમે લોકોની વચ્ચે તેમની મુશ્કેલીઓ સમજી રહ્યા છીએ. જેથી અમે રાજ્યના લોકોને વીજળી, બેરોજગારી, વેપારીઓની સમસ્યા અંગે ગેરન્ટી આપી છે, પણ અમે આજે  પાંચમી ગેરંટી મહિલાઓ માટે આપી રહ્યા છીએ. અમે રાજ્યમાં સત્તા પર આવીશું તો ગુજરાતની 18 વર્ષની ઉપરની મહિલાઓને દર મહિને રૂ. એક હજાર બેંક એકાઉન્ટમાં જમા આપીશું.

 તેમણે ભાજપ પર નિશાન સાધતાં મહિલાઓને કહ્યું હતું કે તેઓ કહે છે કે આ મફતની રેવડી છે, પણ આ રેવડી નહીં તમારો અધિકાર છે. આ તમારા પૈસા છે. તમને મળવા જોઈએ, ના કે સ્વિસ બેન્કમાં જવા જોઈએ.

 

અમે પંજાબ અને દિલ્હીમાં કર્યું એ જ એમ ગુજરાતમાં કરવા માગીએ છીએ. અમે ભાજપ અને કોંગ્રેસની જેમ કરવા નથી માગતા. રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસનું સેટિંગ છે. આ લોકો બધા પૈસા પોતાના શ્રીમંત દોસ્તો પાછળ ઉડાવે છે, તેમનું દેવું માફ કરી દે છે. તેમના ટેક્સ માફ કરી દે છે. જનતા પાસેથી GST લઈને તમામ પૈસા પોતાના દોસ્તો પાછળ ઉડાવી દે છે. આ સિસ્ટમ અમે બંધ કરીશું. દિલ્હીમાં સરકાર ચલાવતાં મને સાત વર્ષ થયાં અને હું એવું શીખ્યો છું કે સરકાર પાસે પૈસાની નહીં, પણ નિયતની કમી છે, એમ તેમણે કહ્યું હતું.

કેજરીવાલે રાજ્યની જનતાને પાંચ ચૂંટણી ‘ગેરંટી’ વચનો આપ્યાં છે, જેમાં 10 લાખ યુવાઓને રોજગારી, બેરોજગારોને માસિક રૂ. 3000 ભથ્થું, મફત વીજળી, આદિવાસી ગામડાઓમાં સારી સ્કૂલ અને ગાંવ ક્લિનિક અને પાંચમી ગેરન્ટી મહિલાઓને મહિને રૂ. 1 હજારનો સમાવેશ થાય છે.

 

x