ધાનાણીની તલાટી-કમ-મંત્રીઓના પ્રશ્નોનો ઉકેલ લાવવા CMને તાકીદ

અમદાવાદઃ રાજયભરના પંચાયત વિભાગ હેઠળના આશરે તલાટી-કમ-મંત્રીઓ પડતર માગણીઓના ઉકેલની માગણી સાથે બીજી ઓગસ્ટથી અચોકકસ મુદતની હડતાળ પર છે, ત્યારે સરકારે આ હડતાળ તરફ આંખ આડા કાન કર્યા હતા. સરકાર દ્વારા તલાટી મહામંડળના હોદેદારો સાથે કોઈ બેઠક કરવામાં આવી ન હતી. બીજી બાજુ, મહામંડળે રાજયના તમામ તલાટી- મંત્રીઓને મંગળવાર સવારથી બેમુદતી હડતાળ પર જવા આદેશ આપ્યો છે, ત્યારે કોંગ્રેસના ભૂતપૂર્વ વિરોધ પક્ષના નેતા અને અમરેલીના વિધાનસભ્ય પરેશ ધાનાણીએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને પંચાયત વિભાગના તલાટી-કમ-મંત્રીઓના પડતર પ્રશ્નોનો સત્વર અને સકારાત્મક ઉકેલ લાવવા માટે પત્ર લખ્યો છે.

તેમણે રાજ્ય કક્ષાના પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાને તલાટી-કમ-મંત્રીઓના સવાલોનો જલદી નિવેડો લાવવા પણ વિનંતી કરી છે. રાજ્યમાં પંચાયત વિભાગના તલાટી-કમ-મંત્રીઓના પ્રશ્નો લાંબા સમયથી વણઉકલ્યા છે, જેનો સત્વર ઉકેલ લાવવો જરૂરી છે. વળી, રેવન્યુ તલાટી અને પંચાયત વિભાગના તલાટી સૌ એકસમાન કર્મચારી છે અને તેમના પ્રમોશન, પગાર ધોરણમાં વિસંગતતા ના હોવી જોઈએ, એમ ધાનાણીએ પત્રમાં જણાવ્યું હતું.

રાજ્યમાં આશરે 14,250 ગ્રામ પંચાયતોમાં 8500 પંચાયત વિભાગનાં તલાટીઓ ફરજ બજાવે છે. ગુજરાત રાજય તલાટી મહામંડળે આ પહેલાં સાત સપ્ટેમ્બર, 2021એ રાજયવ્યાપી હડતાળનું એલાન આપ્યું હતું, પરંતુ એ સમયે પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા અને મુખ્ય મંત્રીએ મહામંડળનાં હોદેદારો સાથેની બેઠકમાં પડતર પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપતાં આંદોલન સમેટી લેવામાં આવ્યું હતું.

તલાટીઓની મુખ્ય પાંચ માગ છે, જેમાં ફિકસ પગારથી આવેલાની સળંગ નોકરી ગણવી, ઉચ્ચતમ પગાર ધોરણ આપવું, રેવન્યુ તલાટીઓને મળતા લાભો પંચાયત તલાટીને પણ આપવા, ગ્રામ વિકાસ અને પંચાયત વિભાગ સહિતની અન્ય કામગીરી ન સોંપવી અને વિસ્તરણ અધિકારી તરીકેની બઢતીમાં લાભ આપવા સહિતની માગ છે.