અમદાવાદઃ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ પરની ‘અક્ષર રિવર ક્રૂઝ’ માં પ્રો કબડ્ડી લીગનો શુક્રવારે ભવ્ય શૈલીમાં સીઝન 10નો પ્રારંભ થયો હતો. હેડ સ્પોર્ટ્સ લીગ, મશાલ સ્પોર્ટ્સ એન્ડ લીગ કમિશનર પ્રો કબડ્ડી લીગ અનુપમ ગોસ્વામીએ PKL સિઝન 9-વિજેતા ટીમના કેપ્ટન સુનીલકુમાર (જયપુર પિંક પેન્થર્સ) અને સીઝન 10ની શરૂઆતની રમત કેપ્ટન પવન સેહરાવત (તેલુગુ ટાઇટન્સ) સાથે સ્પેશિયલ સીઝનની શરૂઆત કરી, જેમાં મૂળ ઇરાનના ફાઝલ અત્રાચાલી -જે હાલ ગુજરાત જાયન્ટ્સ માટે લીગ રમે છે.-એ પણ ઉપસ્થિત હતા.
કબડ્ડી ટીમના ખેલાડીઓએ અધિકારીઓ સાથે ક્રૂઝ સાબરમતી નદીની પરિક્રમા કરતી હતી ત્યારે કમિશનર અનુપમ ગોસ્વામીએ કહ્યું હતું કે 12-શહેરોમાં કારવાં ફોર્મેટમાં કબડ્ડીની લીગ મેચો રમાશે. 132 જેટલી કબડ્ડીની મેચો રમાશે, જે એક સીઝન 10 માટે સીમાચિહ્નરૂપ બાબત છે. અમે ઓછામાં ઓછા નવ ભૌગોલિક વિસ્તારોને ફરીથી કબડ્ડીની રમત માટે સક્રિય કરીશું. 2019થી પ્રો કબડ્ડી લીગ તેમના પોતાના પ્રદેશમાં જોઈ નથી એ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, અને પશ્ચિમ તમામ ભાગોમાં 12 શહેરોમાં લીગનું આયોજન કર્યુ છે. આ લીગને દરેક ફ્રેન્ચાઈઝીના ગૃહ પ્રદેશોમાં સમુદાયો સાથે મજબૂત જોડાણ બનાવવામાં મદદ મળે છે. અમદાવાદમાં શનિવારે ટ્રાન્સસ્ટેડિયા EKA એરેનામાં PKL સીઝન 10ની બ્લોકબસ્ટર ઓપનિંગ ગેમમાં ગુજરાત જાયન્ટ્સ તેલુગુ ટાઇટન્સ સામે ટકરાશે.
કબડ્ડીની રમત સાથે ભારતના લોકોનું ઘણાં વર્ષોથી એક મજબૂત જોડાણ રહ્યું છે. શાળા- કોલેજ અને ભારતમાં ગ્રામ્ય સ્તરે કબડ્ડી દક્ષિણમાં ચેડગુડ્ડુ પૂર્વમાં ‘હુતુતુતુ’ નામે જાણીતી આ રમત ખૂબ જ પ્રચલિત થઈ હતી. શારીરિક શક્તિ, ચપળતા અને રણનીતિથી ભરપૂર આ રમત સૌને એકદમ જીવંત રાખે છે. વર્ષ 2014માં પ્રો કબડ્ડી લીગના આગમનથી આ રમતને મહત્વ અને લોકપ્રિયતા મળી હતી. મશાલ સ્પોર્ટ્સના સ્થાપકોએ 30-સેકન્ડના દરોડા, કરો-ઓર-ડાય રેઈડ, સુપર રેઈડ અને સુપર ટેકલ્સ જેવા નવીન નિયમો લાગુ કર્યા. કબડ્ડીને ભારતમાં રમતગમતના ચાહકો માટે વધુ આકર્ષક બનાવી. લીગના બ્રોડકાસ્ટર્સે લાખો અનુયાયીઓને આકર્ષવા માટે રમતને શાનદાર રીતે પેક કરી એક મનોરંજન આપતી ઈવેન્ટની જેમ રજૂ કરી હતી.
તેલુગુ ટાઇટન્સના કેપ્ટન અને પ્રો કબડ્ડી લીગના ઇતિહાસમાં સૌથી મોંઘા ખેલાડી – પવન સેહરાવતે કહે છે કે એમની ટીમ પ્રથમ રમત માટે તૈયાર છે, “હું મેટ પર પગ મૂકવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. મારા માટે છેલ્લી સીઝન ચૂકી જવું મુશ્કેલ હતું. જોકે મેં આગામી સીઝન માટે ઘણી ઊર્જા બચાવી છે. હું પ્રથમ ગેમમાં પ્રતિસ્પર્ધી ફેઝલનો સામનો કરવા પણ આતુર છું. અમારા ખેલાડીઓએ પ્રશિક્ષણ શિબિર દ્વારા સીઝન માટે ખૂબ સારી તાલીમ લીધી છે. અમે ગુજરાત જાયન્ટ્સ સામેની અમારી પ્રથમ મેચ માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. કબડ્ડીની આ પ્રકારની ઈવેન્ટથી અમને નામ-પ્રસિદ્ધિની સાથે જીવનમાં ઘણાં બધા ક્ષેત્રે ફાયદો થયો છે.
પ્રો કબડ્ડી લીગના સૌથી મોંઘા ડિફેન્ડર અને ગુજરાત જાયન્ટ્સના કેપ્ટન ફઝલ અત્રાચલીએ કહે છે, હું પ્રો કબડ્ડી લીગ સીઝન 10નો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. આ વિશ્વની શ્રેષ્ઠ કબડ્ડી ટુર્નામેન્ટ છે. અમે સીઝન શરૂ થવાની રાહ જોઈ શકતા નથી. હું આ વર્ષે ગુજરાત જાયન્ટ્સ તરફથી રમીને ખૂબ જ ખુશ છું. અમારી પાસે ઘણી યુવા પ્રતિભા છે અને સારા કોચ છે. હું સારી સીઝનની રાહ જોઈ રહ્યો છું. કબડ્ડીની રમતથી હું વિશ્વ પ્રસિદ્ધ થઈ ગયો. ઇરાનની સાથે ભારતમાં મારા પ્રસંશકો છે. હું એમ માનું છું ભારતમાં મારા પ્રશંસકો વધુ છે.
જયપુર પિંક પેન્થર્સે ગત સીઝનની ફાઇનલમાં પુનેરી પલ્ટનને હરાવીને પ્રો કબડ્ડી લીગની ટ્રોફી જીતી હતી. ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે સીઝન 10 પહેલાં જયપુર પિંક પેન્થર્સના કેપ્ટન સુનીલ કુમાર કહે છે આ ટ્રોફી અત્યારે અમારી છે અને અમારે ખાતરી કરવી પડશે કે એ અમારી સાથે રહે. અમે આ સીઝન માટે વધુ સખત તાલીમ લીધી છે. અમે ગયા વર્ષે એક શાનદાર પ્લેયર કોમ્બિનેશન લાગુ કર્યું હતું અને અમે આ વર્ષે પણ એ જ સંયોજનનો ઉપયોગ કરવાનું ચાલુ રાખીશું. અમે ટુર્નામેન્ટ માટે ઘણી સારી તૈયારી કરી છે. પૂરા ઉત્સાહ અને જોશ સાથે મેદાનમાં ઊતરીશું..
પ્રો કબડ્ડી લીગ સીઝન 10 અમદાવાદ લેગ 2-7 ડિસેમ્બર, 2023 દરમ્યાન રમાશે. ત્યાર બાદની લીગ સ્થળો નીચેના ક્રમમાં આગળ વધશે – બેંગલુરુ (8-13 ડિસેમ્બર, 2023), પુણે (15-20 ડિસેમ્બર, 2023), ચેન્નાઈ (22-27 ડિસેમ્બર, 2023), નોઈડા (29 ડિસેમ્બર, 2023 – 3 જાન્યુઆરી 2024), મુંબઈ (5-10 જાન્યુઆરી, 2024), જયપુર (12-17 જાન્યુઆરી, 2024), હૈદરાબાદ (19-24 જાન્યુઆરી, 2024), પટના (26- 31 જાન્યુઆરી, 2024), દિલ્હી (2-7 ફેબ્રુઆરી, 2024), કોલકાતા (9-14 ફેબ્રુઆરી, 2024) અને પંચકુલા (16-21 ફેબ્રુઆરી).
એક સમયે શાળા-કોલેજોનાં મેદાનો રમતોત્સવમાં રમાતી કબડ્ડીનું હવે જીવંત પ્રસારણ અને લાઇવ સ્ટ્રીમિંગ પણ થઈ રહ્યું છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)