નવી દિલ્હીઃ ગુજરાતી ભાષાના દંતકથા સમા હાસ્યલેખક જ્યોતીન્દ્ર દવેની વિવિધ હાસ્યરચનાઓ પર આધારિત એક ઓનલાઇન કાર્યક્રમ ખૂબ જ રસપ્રદ શૈલીમાં રજૂ કરવામાં આવ્યો હતો. ‘મારી ભાષા ગુજરાતી’ કાર્યક્રમના ૧૪મા અંકમાં હાસ્યાવતાર જ્યોતીન્દ્ર દવેને તેમની ૪૦મી પુણ્યતિથિ નિમિત્તે હાસ્યસભર સ્મરણાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
જ્યોતીન્દ્ર દવેની કૃતિઓનાં પાત્રો તરીકે ભારે રંગત જમાવી
જાણીતા હાસ્યલેખક અને અભિનેતા-કલાકાર રમેશ ચાંપાનેરી ‘રસમંજન’ (વલસાડથી), પ્રતિભાવાન કવયિત્રી અને રંગમંચ કલાકાર યામિની વ્યાસ (સુરતથી) અને દિલ્હીથી લેખક, સંપાદક અને નાટ્યકાર ભાગ્યેન્દ્ર પટેલ તથા સ્વર-કલાકાર અને અભિનેત્રી રાખી રાંકાએ જ્યોતીન્દ્ર દવેની કૃતિઓનાં પાત્રો તરીકે ભારે રંગત જમાવી હતી. ‘મહાભારત – એક દ્રષ્ટિ’માં ચાંપાનેરીએ નાટક જોવા જતા પારસી બાવાની ભૂમિકા નિભાવી હાસ્યની છોળો ઉડાડી, જ્યારે ‘બુદ્ધિની કસોટી’માં યામિનીએ પતિની બુદ્ધિની પરીક્ષા લેતી ગૃહિણીની ભૂમિકા નિભાવી શ્રોતાઓને ભરપૂર મનોરંજન પીરસ્યું. ‘ઘડિયાળ’ હાસ્યનિબંધમાં સમયથી બેપરવા રહેતા પતિને ઘડિયાળના કાંટે ટોકતી રહેતી પત્નીની ભૂમિકા રાખીએ ભજવી અને બધાં વાચિકમમાં કથાનાયક લેખક અને પતિની ભૂમિકા ભાગ્યેન્દ્રએ અદા કરી હતી.
જ્યોતીન્દ્ર દવેના હાસ્યસર્જનથી અનેક હાસ્યકારો પ્રેરણા લઈ શકે
લોકપ્રિય હાસ્યકાર રસમંજને આ અવસરે કહ્યું કે “જ્યોતીન્દ્ર દવેના હાસ્યસર્જનથી અનેક હાસ્યકારો પ્રેરણા લઈ શકે, પરંતુ તેમના જેવો કોઈ બીજો હાસ્યાવતાર થઈ શકે એ વિશે તો હંમેશાં શંકા રહેશે.” સાક્ષાત હાસ્યાવતારને રૂબરૂ મળવાની ધન્ય ઘડીઓની યાદ યાદ કરતાં ચાંપાનેરીએ જ્યોતીન્દ્ર દવેની હાસ્ય પ્રકટ કરવાની અદભુત અદ્વિતીય શૈલી રેખાંકિત કરી હતી. પ્રાસંગિક ભૂમિકામાં પટેલે જણાવ્યું કે જીવનમાં હાસ્ય સાહજિક હોવું જોઈએ અને જેમ આપણા જીવનમાં શ્વાસોચ્છવાસ અને હૃદયના ધબકારાની જરૂર છે એવું જ મહત્ત્વ હાસ્યનું પણ હોવું જરૂરી છે. પશ્ચાદભૂમાં તાળીઓ કે સમૂહહાસ્યના ધ્વનિ થકી નિપજાવાતું હાસ્ય નાટકીય જ બની રહે જયારે હાસ્ય સહજ હોવું જોઈએ અને એ ખૂબી જ્યોતીન્દ્ર દવેમાં હતી, જેઓ પોતાના લેખન અને વક્તવ્યમાં તેઓ ખડખડાટ હાસ્ય નિષ્પન્ન કરી શકતા હતા.”
ઝૂમ મીટિંગ્સ પર આ કાર્યક્રમમાં જ્યોતીન્દ્ર દવે વિશેના ઉલ્લેખની એક વિડિયો પણ શેર કરવામાં આવ્યો હતો, જેમાં સ્વસ્થ જીવનના મહત્વને રેખાંકિત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે ફિટ ઇન્ડિયા અભિયાનનો શુભારંભ કરતાં જ્યોતીન્દ્ર દવેને યાદ કર્યા હતા- એ ઝલક દર્શાવવામાં આવી હતી.
સામાજિક, શિક્ષણ અને કલા તેમ જ વિવિધ ક્ષેત્રની વ્યક્તિઓની કાર્યક્રમમાં હાજરી
ભરૂચથી રણછોડ શાહ, વડોદરાથી બીના શાહ, સુરતથી મયંક ત્રિવેદી અને દિલ્હીથી મીતા સંઘવી, ધર્મજ્ઞા રાવલ અને તૃષા જાની રાવલ વગેરેએ પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. ભાગ્યેન્દ્ર પટેલ દ્વારા આયોજિત-સંયોજિત ‘મારી ભાષા ગુજરાતી’ મંચ પાછલાં ત્રણ સપ્તાહથી સતત સુરતના સાહિત્યકારોને સમર્પિત કરાયો, જેમાં નર્મદ, જ્યોતીન્દ્ર દવે અને ભગવતીકુમાર શર્માની કૃતિઓ પર ભજવાયેલા વાચિકમમાં યામિની વ્યાસ વિવિધ ભૂમિકાઓમાં રજૂ થયાં હતાં. આ ઓનલાઇન મંચના ઉપક્રમમાં ગુજરાતી ભાષા સાચી ને યોગ્ય રીતે બોલાય, લખાય અને વંચાય એવા આગ્રહ પર કેન્દ્રિત વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.