ગુજરાતનાં નાગરિકોને કોરોના ટેસ્ટ કરાવવાની રૂપાણીની અપીલ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ તેમનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે મુખ્ય પ્રધાને ટેસ્ટ કરાવીને રાજ્યની જનતાને પણ ટેસ્ટ કરાવવા અપીલ કરી હતી. તેમણે વિડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે ટેસ્ટથી ડરવાની જરાય જરૂર નથી. રાજ્યમાં અત્યાર સુધી 32.86 લાખ જેટલા કોરોનાના ટેસ્ટ થઈ ચૂક્યા છે.

દરરોજ 70,000થી વધુ ટેસ્ટ

મુખ્ય પ્રધાને વિડિયો મેસેજમાં જણાવ્યું હતું કે રાજ્યમાં દરરોજ 70,000થી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, જેમાંથી પ્રતિ દિન 1300 લોકો કોરોના પોઝિટિવ નીકળે છે. જેથી ટેસ્ટથી ડરવાની જરાય જરૂર નથી. જોકે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા કેસોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે.

કોરોનાને લીધે 3210નાં મોત

રાજ્યમાં હાલ 16407 સક્રિય કેસો છે અને રાજ્યમાં અત્યાર સુધી 32,86,544 ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. બીજી બાજુ ક્વોરોન્ટાઇનમાં રહેલા લોકોની સંખ્યા 7.43 લાખ જેટલી છે અને અત્યાર સુધી રાજ્યમાં કોરોનાને કારણે 3210 લોકોનાં મોત થયાં છે. હાલમાં સૌથી વધુ સક્રિય કેસો અમદાવાદમાં છે, જેની સંખ્યા 4245 જેટલી થવા જાય છે. જોકે અત્યાર સુધીમાં 93,883 લોકો કોરોનાને માત પણ આપી ચૂક્યા છે.