ચોમાસું ઢૂકડું છે, વાતો નહીં, નક્કર કામ કરવાનો રાહ ચીંધતાં જૂનાગઢના પ્રકૃતિપ્રેમીઓ

જૂનાગઢ-હવેના સમયમાં પ્રકૃતિ અને પર્યાવરણનું જતન બહુ મોટો પડકાર બની ગયો છે. આપણે અવારનવાર જાહેર માધ્યમોમાં જોઇએ છીએ કે પર્યાવરણ જતન માટે ઘણાં અભિપ્રાયો અપાતાં હોય છે અને સરકારે, સંસ્થાઓએ આમ કરવું જોઇએ તેમ કરવું જોઇએ એવા ઉપયોગી સૂચનો પણ મળતાં હોય છે.

એવામાં થોડાક નોખાં પડે છે જૂનાગઢના કેટલાક પ્રકૃતિચાહકો…જેમણે ફક્ત વાતો જ નથી કરી પર્યાવરણ બચાવની દિશામાં કંઇ નોખું અને મહેનતનું કામ કરીને બતાવ્યું છે. જૂનાગઢની વસુંધરા નેચર ક્લબના સદસ્યોનું આ સદકાર્ય સામે આવ્યું છે.

વાત જાણે એવી છે કે આ સદસ્યોના ધ્યાને એક એવો ચેકડેમ આવ્યો જે વર્ષો પહેલાં બન્યો હતો અને હવે હતો ન હતો જેવી સ્થિતિમાં હતો. જૂનાગઢમાં ગિરનાર વન્યપ્રાણી અભયરણ્યની નજીકના લાલઢોરી વિસ્તારમાં આ ચેકડેમ આવેલો હતો, જે ધોવાણની હાલતમાં હતો કારણ કે તળીયામાં ગાબડાં પડી ગયાં હતાં તેથી પાણી ટકતું ન હતું. આ ચેકડેમ એ રીતે ખૂબ ઉપયોગી પણ હતો કે તે વન્યપ્રાણી અભયારણ્યની નજીક હોવાથી સિંહ વગેરે વન્યજીવો માટે જળનો મહત્ત્વનો સ્ત્રોત હતો. ત્યારે ક્લબના સભ્યોએ નક્કી કર્યું કે આ પરિસ્થિતિ સુધારવી જોઇએ. અને તેમણે એક દિવસ નક્કી કરી ચેકડેમ સુધારણાનું કામ જાતે જ ઉપાડી લીધું.

ફાઈલ ચિત્ર

આ વર્ષે પાંચમી જૂને જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાઈ રહ્યો હતો ત્યારે ક્લબના સભ્યો દ્વારા શ્રમદાનનું કાર્ય ઉપાડવામાં આવ્યું ચેકડેમ સમારકામમાં આશરે 20 સભ્યો જોડાયાં હતો તો અન્ય કેટલાક સભ્યોએ સારા કામમાં હાથ બઢાવતાં નાણાકીય ટેકો આપ્યો.આ શ્રમદાન કાર્યમાં શિક્ષકો, ડોક્ટરો તથા અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા લોકો જોડાયાં અને ફક્ત દસ જ દિવસમાં ચેકડેમની પરિસ્થિતિ બદલવામાં તેઓને સફળતા પણ મળી.

ચેકડેમની અંદરના ભાગે નીચે ભંગાણ થયું હતું તેથી પાણી બચાવવા તળીયાનું કામ કરતાં  આરસીસી વર્ક કરી છ ફૂટ ઉંડો ખાડો કરી તે ગાબડું પૂરી દીધું. તેના પાછળનાં ભાગે વરસાદી પાણીનો ધોધ ધીમો પડે તે માટે એક પાળો ચણી લીધો જે પ્રોટેક્શન વોલની ગરજ સારશે. સભ્યોને આશા છે કે સારો વરસાદ પડશે અને ચેકડેમ તેની જળસંગ્રહની મૂળ ક્ષમતાએ પહોંચશે અને પાણીનો સંગ્રહ થઇ શકશે. આ સભ્યોના અંદાજ મુજબ, આ ચેકડેમમાં 40 લાખ લિટરથી વધુ પાણી સંગ્રહ થશે.વસુંધરા નેચર ક્લબના સભ્યોની જેમ જ્યાં જ્યાં જળસ્ત્રોતો છે ત્યાં આ રીતે સજાગ નાગરિકો પર્યાવરણીય સંવર્ધન, જાળવણીના કાર્યો નજર સામે પડ્યાં હોય તો તેને સાનુકૂળ દ્રષ્ટિથી જૂએ અને તેમની આસપાસ આવેલા ચેકડેમો, તળાવોને આવી રીતે સાચવે તો વરસાદી જળસંગ્રહમાં મોટું કામ થઇ શકે ને!

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]