અમદાવાદઃ વિશ્વ માટે 20 જુલાઈનું વિશેષ મહત્વ છે. આજના દિવસે 1969એ બપોરે 2.56 કલાકે અમેરિકાના અંતરિક્ષ યાત્રી નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પહેલો પગ મૂક્યો હતો, તેની સાથે બજ આલ્ડ્રિન અને માઇક કોલિન્સ પણ આ મિશન પર ગયા હતા. જોકે આ મિશનનો પાયો 1961માં નાખવામાં આવ્યો હતો.
આ દિવસને આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ તરીકે ઊજવવા યુએન (UN) દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસની ગુજરાત સાયન્સ સિટીમાં પણ ઉજવણી કરવામાં આવી, જેમાં ઇસરોના ડિરેક્ટર નીલેશ દેસાઈ, ગુજરાત સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જે. બી. વદર તેમ જ સ્ટાફના અન્ય સભ્યો અને આશરે 200 જેટલા વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે ઇસરોના ડિરેક્ટર નીલેશ દેસાઈએ ચંદ્ર દિવસના ઇતિહાસ વિશે તેમ જ ભારતના મિશન મૂન વિશે વિસ્તારથી માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારતે તાજેતરમાં જ ચંદ્રયાન-3 લોન્ચ કર્યું છે. જે 23 ઓગસ્ટ આસપાસ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચશે. ચંદ્રયાનને રોકેટ અને પેલોડ અને લેન્ડર દ્વારા કઈ રીતે ચંદ્ર સુધી પહોંચાડવામાં આવશે અને ત્યાં પહોંચ્યા બાદ ચંદ્રયાન કેવા પ્રકારની વિગતો ત્યાંથી મોકલાવશે એ અંગે તેમણે વિસ્તૃતમાં માહિતી આપી. આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસની ઉજવણીને વધુ રસપ્રદ બનાવવા માટે હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ પણ રાખવામાં આવી હતી. ગુજરાત સાયન્સ સિટી તરફથી વિદ્યાર્થીઓને જરૂરી કિટ આપવામાં આવી જેના થકી વિદ્યાર્થીઓએ રોકેટની પ્રતિકૃતિઓ બનાવી હતી.