વિશ્વભરમાં દર વર્ષે ૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સમગ્ર વિશ્વ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ “સ્વયં અને સમાજ માટે યોગ“ની થીમ પર ઉજવણી કરાશે. રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્ય ભરમાં યોગ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાનો કાર્યક્રમ સૌપ્રથમ વખત ભારત-પાકિસ્તાન સરહદે આવેલ નડાબેટમાં યોગ અને રાષ્ટ્રભક્તિના સંયોજનથી રાજ્ય સરકારના માધ્યમથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને BSFના સહ આયોજનમાં આ વર્ષનો મુખ્ય કાર્યક્રમ યોજાશે. રાજ્યભરમાં ૮ મહાનગરપાલિકાઓ, ૩૨ જિલ્લાઓ તથા ૨૫૧ તાલુકા, ૨૦ નગરપાલિકા એમ કુલ ૩૧૨ મુખ્ય સ્થળોએ યોગ દિવસની ઉજવણી માટે સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. ગ્રામ પંચાયતથી મહાનગરપાલિકા સુધી શાળા, કોલેજ, આઈ.ટી.આઈ., જેલ, આરોગ્ય અને પોલીસ વિભાગો સહીતના તમામ વિભાગો યોગમય બનશે.
આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગોટલીયા ગાર્ડન, સિંધુભવન, અમદાવાદ ખાતે, કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવીયા દિલ્હી ખાતે, કેન્દ્રીય જલશકિત મંત્રી સી.આર.પાટીલ સુરત ખાતે અને ગ્રાહક બાબતોના કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા દિલ્હી ખાતે યોજાનાર કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી યોગસાધનામાં જોડાશે.
મંત્રી એ ઉમેર્યું કે, મુખ્યમંત્રીએ ૨૧મી જૂને યોજાનારા ૧૦મા આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને સવા કરોડ લોકોની સહભાગીતાથી ભવ્ય બનાવવાનો નિર્ધાર કર્યો છે. રાજ્યકક્ષાના કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી તથા મંત્રીઓ ઉપસ્થિત રહેશે. ભૂપેન્દ્રભાઈ પટેલ સવારે ૦૬:૩૦ કલાકે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે ૦૬:૪૦ કલાકે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં પ્રેરક સંબોધન કરશે અને તેનું સમગ્ર રાજ્યમાં જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે
ગુજરાતના નાગરિકો ‘યોગમય ગુજરાત’ અભિયાનમાં સહભાગી થશે. રાજ્યભરમાં યોજાનાર આ કાર્યક્રમોમાં રાજ્યમંત્રી મંડળના સભ્યો,સાંસદશ્રીઓ,ધારાસભ્ય શ્રીઓ સહિત પદાધિકારીઓ અને અનેક મહાનુભાવો પણ સહભાગી થશે.
તેમણે કહ્યું કે, યોગ એ આપણી ભારતીય સંસ્કૃતિની દેન છે. પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી “યોગ વિદ્યા” ને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંયુકત રાષ્ટ્રસંઘની ૬૮મી સામાન્ય સભા સમક્ષ ૨૧મી જુનને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સંયુકત રાષ્ટ્ર સંધ દ્વારા મંજુર કરવામાં આવેલ. જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧ મી જુનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.