નર્મદા યોજનામાં 2 જિલ્લામાં ખેડૂતોની અસંમતિ લીધે કામ બાકી છેઃ નાયબ સીએમ

ગાંધીનગર- નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે જણાવ્યું છે કે, નર્મદા યોજનાના કામો મોટેભાગે પૂર્ણતાના આરે છે ત્યારે વડોદરા અને ભરૂચ જિલ્લાના નર્મદા નહેરની તમામ કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે અને ખેડૂતોને ખરીફ અને રવિ સિઝનમાં જરૂરિયાત મુજબ પાણી પૂરું પાડવામાં આવે છે. જે ૧૧૦ કિ.મી.ના કામો બાકી છે તે માઈક્રો પાઇપલાઇનના છે કે જે ખેડૂતોના ખેતર સુધી પહોંચે છે, તે ખેડૂતો સંમતિ આપતા ન હોય તેવા બાકી છે અને તે પણ મંજૂરી મળતા સત્વરે પૂર્ણ કરાશે.

વિધાનસભામાં વડોદરા અને ભરૂચ જિલ્લામાં નર્મદા નહેરની કામગીરીના પ્રશ્નના પ્રત્યુત્તરમાં નર્મદા રાજ્યપ્રધાન યોગેશ પટેલે કહ્યું કે વડોદરા અને ભરૂચ જિલ્લામાં નર્મદા નહેર નેટવર્કના ૧૩,૩૬૮.૭૪ કિ.મી.ના કામો પૂર્ણ કરાયા છે. જેમાં વડોદરા જિલ્લામાં ૮૬૬૨.૭૪  કિમી તથા ભરૂચ જિલ્લામાં ૪૭૦૬ કિ.મી.ના કામો પૂર્ણ થયા છે. જેમાં મુખ્ય નહેર, શાખા નહેર, વિશાખા નહેર, પ્રશાખા નહેરો, પ્ર-પ્રશાખા નહેરોના કામો હાથ ધરાયા છે.

ભરુચમાં આ કારણે કામ બાકી છે…

ભરૂચ જિલ્લામાં ૬.૭૦ કિમી માઈનોર નહેરના કામો પ્રગતિ હેઠળ છે બાકી રહેતી ૨૯.૩૦ કિમી પ્રશાખા નહેરોના કામો નવીન જમીન સંપાદન અધિનિયમ અન્વયે કાર્યવાહી કરી સત્વરે પૂર્ણ કરાશે. બાકી રહેલી ભૂમિગત સબમાઈનોર(પ્ર-પ્રશાખા)ના કામો ખેડૂતોની ભાગીદારી સાથે કરવાના થતાં હોઇ તબક્કાવાર પિયત વિસ્તારના ખેડૂતોની સંમતિ તથા ફાળો મળ્યા બાદ વહેલી તકે પૂર્ણ કરાશે તેમ નાયબ સીએમે ખાતરી આપી હતી.