અમદાવાદઃ વૈશ્વિક પર્યાવરણને પ્રદૂષણમુક્ત બનાવવાનો એજન્ડા નક્કી કરનાર એક અગ્રણી વૈશ્વિક પર્યાવરણીય ઓથોરિટી UNEPએ અમદાવાદની સ્વરોજગાર મહિલા સંસ્થા ‘સેવા’ સાથે સહયોગ કર્યો છે. દેશના અસંગઠિત ક્ષેત્રની મહિલા કામદારોની સૌથી મોટી એકમાત્ર સંસ્થા ‘સેવા’ અને નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ ઓલ ઇન્ડિયાએ દેશભરમાં નીચલા સ્તરેથી 15,000 મહિલાઓને સોલર ટેક્નિશિયન્સ તૈયાર કરવા માટેનું લક્ષ્ય નક્કી કર્યું છે.
વિશ્વની સૌથી મોટી સંસ્થાઓ પૈકીની એક સંસ્થા ‘સેવા’ દેશનાં 18 રાજ્યોમાં ગ્રામીણ અસંગઠિત ક્ષેત્રે મહિલાઓના ઉદ્ધાર માટે કાર્યરત છે. સંસ્થામાં આશરે 19 લાખ ગરીબ મહિલા સભ્યો છે. વળી, છેલ્લા ચાર દાયકાથી સંસ્થા મહિલાઓના સામાજિક અને આર્થિક વિકાસ માટે અવિરતપણે કાર્ય કરે છે. આ ઉપરાંત સંસ્થાની સપ્લાય ચેઇન પણ મજબૂત છે. 2012માં સેવાએ સોલર પમ્પનું નીચા ખર્ચે ઉત્પાદન શરૂ કર્યું હતું, જેથી કચ્છના રણમાં મીઠાના અગરિયાઓને ક્લીન એનર્જીનો વિકલ્પ આપી શકાય. ત્યારથી અત્યાર સુધી સેવાએ મીઠું પકવતા (અગરિયાઓ) ખેડૂતોની આવક વધારવા અને ડીઝલનો ખર્ચ ઘટાડવા માટે 1500 ડીઝલ પમ્પોની બદલીને હાઇબ્રીડ સોલર પમ્પસમાં પરાવર્તિત કર્યા છે, જેથી આ ખેડૂતોના મીઠાના ઉત્પાદનમાં પણ આશરે 15 ટકાનો વધારો થયો છે. આના લીધે પરર્યાવરણમાં કાર્બનનું ઉત્સર્જન પણ ઘટાડવામાં મદદ મળી છે. આવતાં પાંચ વર્ષમાં કૃષિ ક્ષેત્રે ખેડૂતોને સેવાની 20,000 સોલર પમ્પ આપવાની તેમ જ 2.7 મેગાવોટની ક્ષમતાનો સોલર પાર્ક સ્થાપવાની યોજના છે. વળી, લાંબા સમય સુધી આ સોલર પમ્પસની જાળવણી કરવા માટે ‘સેવા’એ ESSCI અને UNEP સાથે સહયોગ કરાર કર્યા છે. જેનો ઉદ્દેશ યુવા મહિલાઓને ટેક્નિકલ તાલીમ અને ઉદ્યોગ સાહસિક સ્કિલ વિકસાવી શકાય. આ સંસ્થાઓનો ઉદ્દેશ 15,000 સોલર ટેક્નિશિયન તૈયાર કરવાનો છે. જેથી ગ્રામીણ વિસ્તારોનાં ઘરોમાં આની યોગ્ય સેવાઓ પ્રદાન કરી શકાય.
આ પ્રોજેક્ટને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટર સ્કિલ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (ESSCI) અને નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ (NSDC)નો પૂરતો સહયોયોગ કરવામાં આવ્યો છે. ‘સેવા’ની બહેનોને સંબંધ છે ત્યાં સુધી ગ્રાસરૂટ ટ્રેડિંગ નેટવર્ક (GTN) આ પ્રોજેક્ટના અમલીકરણમાં આગેવાની કરશે. UNEPનો અનુભવ અને નિપુણતાનો લાભ આ જ પ્રકારના કાર્યક્રમોના અમલીકરણમાં આપશે. ખાસ કરી અન્ય દેશો જેવા કે વિયેટનામ, કમ્બોડિયા અને બંગલાદેશમાં લાગુ કરવામાં આવતા મહિલા સશક્તીકરણના કાર્યક્રમમાં આ પ્રકારની સેવાઓ આપશે તેમ જ ક્ષમતા વધારવા અને માહિતી આપીને માર્ગદર્શન કરશે. સંસ્થા યોગ્ય બિઝનેસ મોડલ્સને વિકસાવવા પણ માર્ગદર્શન અને સહયોગ કરશે.
આ સંસ્થાઓના સહયોગથી ‘સેવા’ની આશરે 15,000 ગરીબ ગ્રામીણ મહિલાઓને આજીવિકા મળશે. તેમનું જીવનધોરણ ઊંચું આવશે. આ પ્રોજેક્ટ હેઠળ મહિલાઓને સોલર ટેક્નિશિયનની તાલીમ આપવામાં આવે છે, જેથી તેમના ઘરથી નજીકના વિસ્તારમાં જ તેમને રોજગારી ઉપલબ્ધ કરાવશે. આ સોલર ઉદ્યોગ સાહસિકો વિશ્વના ક્લાઇમેટ ચેન્જમાં સહયોગ કરવા સાથે ક્લીન એનર્જી વડે પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરશે. આ ઉપરાંત ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા ઉપરાંત તેમના કામકાજના દિવસો ઘટાડશે અને ઉત્પાદન તેમ જ આવકમાં વધારો કરશે. આ પ્રોજેક્ટ ગ્રામીણ રોજગારમાં વધારો કરશે અને રિન્યુએબલ એનર્જીની ચળવળને પ્રોત્સાહન આપશે, એમ ‘સેવા’નાં ડિરેક્ટર રીમા નાણાવટીએ કહ્યું હતું.
ભારતમાં યુએનના રેસિડેન્ટ કો-ઓર્ડિનેટર રિનાટા ડેસાલ્લિયને કહ્યું હતું કે હું યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ-ઇન્ડિયા ઓફિસ અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટર સ્કિલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ‘સેવા’ સાથે નવી ભાગીદારી બદલ અભિનંદન આપું છું જેમનો ઉદ્દેશ મહિલાઓની આગેવાની હેઠળ ઇન્ડિયાને રિન્યુએબલ એનર્જી ક્રાંતિને આગળ વધારવાનો છે. આ પહેલ દ્વારા અમારું લક્ષ્ય છે પર્યાવરણમાંના કાર્બન ઉત્સર્જનને ઘટાડવાનો છે અને આ પ્રદેશમાંની સોલર વીજ પેદા કરીને મહિલાઓ માટે વધુ રોજગાર ઊભી કરવાનો અને તેમનું જીવનધોરણ ઊંચું લાવવાનો છે.