અમદાવાદ: રાજ્યમાં હાલના તાપમાનમાં ઘટાડો થયો છે, પણ ઠંડીનો ચમકારો આવતાં પહેલાં માવઠાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે નવેમ્બરમાં રાજ્યમાં ભારે કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. અમદાવાદ હવામાન વિભાગે રાજ્યમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ક્યાંક ભારે તો ક્યાંક સામાન્ય વરસાદની આગાહી કરી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ગઈ કાલ રાતથી રાજ્યમાં પવનની દિશા બદલાઈને પૂર્વથી ઉત્તર-પૂર્વના ઠંડા પવનો શરૂ થયા છે. આ ફેરફારને કારણે રાજ્યનાં મોટા ભાગનાં શહેરોમાં ઠંડીની તીવ્રતામાં વધારો થયો છે. સિઝનમાં પ્રથમ વાર અમદાવાદમાં ઠંડીનો પારો 16 ડિગ્રીએે પહોંચ્યો છે. જ્યારે વડોદરામાં પણ ઠંડીનો પારો બે ડિગ્રી ઘટી 16 ડિગ્રી નોંધાયો હતો. તો સુરતમાં પણ પારો બે ડિગ્રી ઘટી 19.6 થતાં ઠંડી વધી ગઈ છે. સૌથી વધુ ઠંડી હાલ નલિયામાં જણાઈ રહી છે.હવામાન વિભાગ પ્રમાણે બનાસકાંઠા, પાટણ, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં એટલે કે રાજકોટ, જૂનાગઢ, મોરબી, ગીર-સોમનાથ, કચ્છ અને દીવના જિલ્લાઓમાં છૂટાછવાયાં સ્થળોએ હળવો વરસાદ કે ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાત પ્રદેશના જિલ્લાઓ અને દમણ, દાદરા નગર હવેલીમાં ઉત્તર ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં થોડાં સ્થળો, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર-સોમનાથ, બોટાદ અને દીવમાં મોટા ભાગનાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ કે ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. તથા કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ કે ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આ ઉપરાંતના બાકીના વિસ્તારોમાં જિલ્લાઓમાં શુષ્ક હવામાનની સંભાવના છે.