વિદેશી સર્જકો માટે ગુજરાતી લિટરેચર સ્ટડી સેન્ટરનો પ્રારંભ

અમદાવાદઃ વિદેશમાં ગુજરાતી ભાષાના પ્રસાર અને પ્રચાર માટે કાર્યરત એવી ગુર્જરી ચેરિટેબલ સોસાયટી દ્વારા છેલ્લાં 36 વર્ષથી ‘ગુર્જરી ડાયજેસ્ટ’નું પ્રકાશન થાય છે. એ પ્રકાશનમાં વિશેષ કરીને અમેરિકા, ઇંગ્લેન્ડ અને આફ્રિકામાં વસતા સર્જકોની કૃતિઓનો સમાવેશ કરવામાં આવે છે. છેલ્લાં કેટલાંક વર્ષથી અમેરિકામાં પ્રકાશિત થતું ‘ગુર્જરી ડાયજેસ્ટ’ ગુજરાતી વિશ્વકોશ દ્વારા પ્રકાશિત થાય છે અને હવે પછી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ વિદેશના સર્જકોને સહયોગી બનવા માટે ‘ડાયસ્પોરા ગુજરાતી લિટરેચર સ્ટડી સેન્ટર’ નામનું કેન્દ્રનો એક અલાયદા મકાનમાં પ્રારંભ કરશે.

આ સંશોધન કેન્દ્રની માહિતી આપતાં સાહિત્યકાર કુમારપાળ દેસાઈએ કહ્યું હતું કે અહીં ભારતની બહાર અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુ ઝીલેન્ડ, ફિજી અને આફ્રિકાના દેશો, યુરોપિયન દેશો અને પાકિસ્તાનમાં વસતા ગુજરાતી સર્જકોનાં પુસ્તકો રાખવામાં આવશે. એ ઉપરાંત વિદેશમાં વસતા તમામ સર્જકોનો બાયોડેટા આપતું સૂચિપત્ર તૈયાર કરવામાં આવશે અને તેની જાળવણી કરવામાં આવશે. આ કેન્દ્રમાં સાહિત્યલક્ષી અભ્યાસ અને સંશોધન કરી શકે એવી સુવિધા કરવામાં આવશે અને વિશેષ તો ભારતના જે વિદ્યાર્થીઓ અને સાહિત્યકારો વિદેશવાસી ગુજરાતી લેખકો તેમજ ડાયસ્પોરા સાહિત્ય માટે અભ્યાસ કરવા ઇચ્છતા સંશોધકોને પ્રોત્સાહન આપી અહીં જરૂરી સુવિધા પૂરી પાડવામાં આવશે. વળી, વિદેશમાં રચાયેલા સાહિત્ય પર એમ.ફિલ કે પીએચ.ડી.નો ઉચ્ચ અભ્યાસ કરવા માગતા હોય તેમને એ માટેની વ્યવસ્થા કરી આપવામાં આ સેન્ટર સહાયભૂત થશે. આ રીતે ગુજરાતમાં પહેલી વાર ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા એક અલાયદા સંશોધન કેન્દ્રમાં ડાયસ્પોરા સાહિત્ય માટેનું સ્ટડી સેન્ટર તૈયાર થઈ રહ્યું છે, જેનો 28 ડિસેમ્બર, 2023 ગુરુવારે સાંજે 5.30 વાગ્યે ‘ગુર્જરી ડાયજેસ્ટ’ના સંપાદક અને સાહિત્યપ્રેમી કિશોર દેસાઈની ઉપસ્થિતિમાં પ્રારંભ થશે તેમ જ એ દિવસે અમેરિકામાં વસતા સર્જક  રેખા સિંધલ સંપાદિત ‘સ્મૃતિ સંપદા’નું વિમોચન કરવામાં આવશે.