આઇસી15 ઇન્ડેક્સ 2,862 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ સ્પોટ બિટકોઇન ઈટીએફને મંજૂરી મળવાની આશા જાગવાને પગલે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં મંગળવારે ઉછાળો આવ્યો હતો. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 5.58 ટકા (2,862 પોઇન્ટ) વધીને 54,147 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 51,285 ખૂલીને 54,697ની ઉપલી અને 50,987 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના તમામ કોઇન વધ્યા હતા, જેમાં 10.64 ટકા સાથે સોલાના ટોચનો વધનાર હતો. અવાલાંશ, કાર્ડાનો, શિબા ઇનુ અને પોલકાડોટ 6થી 10 ટકાની રેન્જમાં વધ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ એસેટ મેનેજર બ્લેકરોકે સ્પોટ બિટકોઇન ઈટીએફ માટે કરેલા ફાઇલિંગમાં સુધારો કર્યો છે. અરજી વહેલી તકે મંજૂર થઈ શકે એ માટે આ સુધારો કરવામાં આવ્યો છે.

દરમિયાન, યુનાઇટેડ કિંગડમ ડિજિટલ એસેટ ઉદ્યોગના નિયમનની દિશામાં આગળ વધ્યું છે. એણે ડિજિટલ સિક્યોરિટીઝ સેન્ડબોક્સનું નિયમન થઈ શકે એ માટેનો ખરડો રજૂ કર્યો છે. બેલ્જિયમના ડિજિટલ ખાતાના પ્રધાન યુરોપિયન બ્લોકચેઇન નેટવર્ક રચવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે.