ગૃહપ્રધાનને હસ્તે વૈષ્ણોદેવી સર્કલ પરના ફ્લાયઓવરનું લોકાર્પણ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદ-ગાંધીનગરને જોડતા એસજી હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલના ફ્લાય ઓવરબ્રિજનું લોકાર્પણ કરીને લોકો માટે ખુલ્લો મૂક્યો છે. જેથી હવે રૂ. 28 કરોડના ખર્ચે દોઢ કિલોમીટર લાંબા આ ફ્લાયઓવર બ્રિજથી ટ્રાફિકની મોટી સમસ્યા દૂર થઈ જશે. લોકાર્પણ દરમિયાન અમિત શાહની સાથે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તેમ જ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર વૈષ્ણોદેવી સર્કલ પર બનીને તૈયાર થયેલા વિશાળ બ્રિજને બનાવવાનો ખર્ચ રૂ. 28 કરોડ થયો છે. જોકે હવે આ બ્રિજ ખુલ્લો મુકાતાં દરરોજ એક લાખથી વધુ વાહનચાલકોના સમય અને ઈંધણની બચત સાથે સુરક્ષિત મુસાફરી મળશે અને ટ્રાફિકના પ્રશ્નો હલ થશે. આ ઉપરાંત ખોડિયાર કન્ટેનર ડેપો પાસેના ઓવરબ્રિજનું તેમ જ કલોલ રેલવે ઓવરબ્રિજનું પણ ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

વર્ષ 2016માં એસજી હાઇવે ઉપર છ ઓવરબ્રિજ બનાવવાની મંજૂરી મળી હતી, જેના માટે રૂ. 867 કરોડના બજેટની ફાળવણી થઈ હતી. આમાંથી નવેમ્બર, 2020માં છ પૈકી બે ફલાયઓવર લોકોના ઉપયોગ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા.

ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતમાં 18થી 44 વર્ષના લોકોને વોક-ઇન-વેક્સિનેશન ઝુંબેશનો આરંભ કરાવ્યો હતો. તેમણે વધુમાં વધુ લોકોને રસી લે તેવી અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે કોરોના રસીકરણ ઝુંબેશ વધુ ઝડપી કરવામાં આવશે. મને આશા છે કે, કોરોનાનું સંક્રમણ હવે ઘટશે. મોદીજીના નિર્ણયના કારણે આખા વિશ્વમાં રસીકરણમાં આપણે આગળ છીએ. જે લોકોએ એક ડોઝ લીધો છે તેઓ સમયસર બીજો ડોઝ લઈ લે. કારણ કે બે ડોઝ લીધા પછી જ રસીની અસર સારી થશે.