ધોરણ 10-12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જુલાઈથી

અમદાવાદઃ કોરોના રોગચાળા સ્થિતિને ધ્યાને લેતાં ધોરણ-10 અને ધોરણ-12ના નિયમિત  વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પણ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ-10 અને 12ના રિપીટરોની પરીક્ષા 15 જુલાઈથી લેવાનો નિર્ણય કર્યો છે.  

માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ. પટેલે જણાવ્યું હતું કે રાજ્યની હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈ બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જુલાઈથી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ સરકારે રિપીટર વિદ્યાર્થીની પરીક્ષા સાથે ગુજકેટની પરીક્ષા લેવાની પણ જાહેરાત કરી છે.  
બોર્ડની પરીક્ષામાં રિપીટર્સ વિદ્યાર્થીઓની વાત કરીએ તો ધોરણ 10માં 3.62 લાખ, ધોરણ 12 સાયન્સમાં 32,400  અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 97,000 જેટલા રિપીટર્સ વિદ્યાર્થી નોંધાયા હતા.

સરકારે ધોરણ 10માં માત્ર રેગ્યુલર વિદ્યાર્થીઓની જ પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપ્યું હોવાની સ્પષ્ટતાં કરી હતી, પરંતુ ધોરણ 12ની પરીક્ષા રદ કરવાના નિર્ણયમાં એવી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી કે માત્ર નિયમિત વિદ્યાર્થીની જ પરીક્ષા રદ થશે કે રિપીટર્સ સહિતના તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરાશે કે નહીં એ અંગે શિક્ષણપ્રધાને પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે રિપીટર્સ વિદ્યાર્થીઓ માટે હજી કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી. જે આગામી સમયમાં કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન આધારે લેવાશે. પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જોકે રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા 15 મેએ રિપિટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવા માગણી કરવામાં આવી હતી.