પેપરલીક મામલે આરોપીઓની સામે આતંકવાદી કલમો લાગશે

અમદાવાદઃ સાબરકાંઠા પોલીસે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી પરીક્ષાના પેપર લીક મામલે જુદી-જુદી દિશામાં તપાસ કરી આઠ આરોપીની ધરપકડ કરી છે. જોકે હજી ત્રણ આરોપીની ધરપકડ બાકી છે. સાબરકાંઠા જિલ્લા પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 23 લાખ રકમ જપ્ત કરી છે.

રવિવારે લેવાયેલી હેડ ક્લાર્કની 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયાનું આખરે સરકારે છ દિવસ બાદ સત્તાવાર રીતે કબૂલ કર્યું હતું. આ કૌભાંડનો પર્દાફાશ કરી તમામ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલવા પોલીસની ટીમો કામે લાગી છે. હાલમાં પોલીસે વધુ આરોપીઓને પકડવા માટે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

આ મામલે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પેપર લીક મામલે 11 લોકોની સામે પ્રાંતીજમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ બધાની સામે ગુજસીટોક કાયદા હેઠળ કેસો નોંધવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે આ કેસમાં કોઈ પણ ચમરબંધી સામેલ હશે, તો તેની સામે તપાસ થશે. આ બધા સામે 406, 409,420 અને 120-બીની કલમ લગાવવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા 1 ડિસેમ્બર, 2019થી આ કાયદો લાગુ કરવામાં આવ્યો છે. આ કાયદો સંગઠિત ગુનો કરવાના અને આતંકવાદી કૃત્ય કરવાવાળા આરોપીઓની સામે આતંકવાદી વિરોધી કાનૂન હેઠળ માનવામાં આવે છે. આ પહેલાં પોલીસ કમિશનર અને ડીજીપીની મંજૂરી લેવી પડે છે. એ પછી એમાં એસપી અથવા ડીવાયએસપી સ્તરના અધિકારી આવા કેસોમાં તપાસ કરે છે. આ કલમ હેઠળ ગુનેગારને પાંચ વર્ષથી માંડીને આજીવન કેદની સજા પણ થઈ શકે છે.