AMC એક્શન મોડમાં, 6 ગેમઝોન પર લાગ્યા તાળા

રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ રાજ્યનું તંત્ર હરકતમાં આવ્યું છે. અગ્નિકાંડ બાદ લોકો હોસ્પિટલમાં પોતાના પ્રિયજનોના મૃત દેહ માટે દિવસ રાત રાહ જોય રહ્યા છે. ત્યારે બીજી બાજુ રાજ્યભરમાં તમામ ગેમ ઝોનમાં તંત્રએ તપાસની કામગીરી હાથ ધરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ તથા ફાયર વિભાગ પણ એક્શન મોડ આવ્યું હતું. તમામ ગેમ ઝોન પર તપાસનો ધમધમાટ ચાલ્યો.

ગુજરાતના રાજકોટમાં હૈયા કંપાવી નાખે તેવા કાંડ બાદ પણ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં ચાલતા 34 પૈકી 6 ગેમ ઝોન ફાયર વિભાગની NOC કે એસ્ટેટ વિભાગ તરફથી આપવામાં આવતી બિલ્ડિંગ યુઝ (BU) પરમીશન વગર ચાલતા હતા. શહેરના આનંદનગર રોડ ઉપરાંત ચાંદલોડીયા તેમજ ઘુમા અને જોધપુર સહિતના વિસ્તારમાં ચાલતા ગેમ ઝોન સત્તાવાર મંજૂરી મેળવ્યા વગર ચાલતા હોવાનું એસ્ટેટ અને ફાયર વિભાગની તપાસમાં જ બહાર આવ્યું છે. ત્યારે હવે આ તમામ ગેમ ઝોન સહિત નિયમનો ઉલ્લઘંન થયા હોય તેવા ગેમ ઝોનને સીલ કરવાની કડક સૂચના AMC દ્વારા કરવામાં આવ્યા છે.

 

AMCના એસ્ટેટ વિભાગ અને ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં ગોતામાં આવેલા ફનગ્રેટો ગેમ ઝોન અને સાઉથ બોપલમાં આવેલા જોઈ બોક્સ ગેમ ઝોન પાસે બિલ્ડિંગ યુઝ પરમીશન ન હોવાનું સામે આવ્યું. નિકોલ વિસ્તારમાં આવેલા ફન કેમ્પસ પાસે ફાયર વિભાગની NOC ન હોવાનું સામે આવ્યું છે. શહેરના વસ્ત્રાપુરમાં આવેલ આલ્ફા વન (અમદાવાદ વન) મોલમાં એક ગેમ ઝોનની મંજૂરી લઈ ચાર ગેમ ઝોન ચલાવવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે. એક પણ ગેમઝોન માટે ફાયર વિભાગની એન.ઓ.સી.કે પોલીસની મંજૂરી મેળવવામાં આવી નહીં હોવાનું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યુ છે

નોંધનિય છે કે રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર સફાળું જાગ્યું છે. અમદાવાદમાં આવેલા તમામ ગેમઝોનમાં દર મહિનાની 1 થી 5 તારીખ દરમિયાન ફાયર વિભાગને તપાસ કરવા મ્યુનિસિપલ કમિશનરે આદેશ આપ્યો છે. ઉપરાંત દર ત્રણ મહિને ફાયર વિભાગ અલગ અલગ વિસ્તારના ગેમિંગ ઝોનમાં મોકડ્રીલ કરશે.