એક જ પરિવારના છ સભ્યોની આત્મહત્યાઃ અમદાવાદમાં અરેરાટી

અમદાવાદઃ શહેરના એક ફ્લેટમાંથી પોલીસને એક જ પરિવારના છ જણના મૃતદેહ મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ છે. વટવાના વિંઝોલ વિસ્તારમાં આવેલી પ્રયોસા રેસિડન્સીમાં બે સગા ભાઈ તથા તેમના ચાર બાળકોનાં તેમનાં જૂના મકાનમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે આને સામૂહિક આત્મહત્યાનો કેસ ગણાવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ ફ્લેટમાં આત્મહત્યા કરનારાઓમાં ચાર બાળકો છે. આ મૃત બાળકોની ઉંમર સાતથી 12 વર્ષની વચ્ચેની છે. આ ઉપરાંત પોલીસને બે ભાઈઓનાં મૃતદેહ પણ મળ્યાં છે, જેમની ઉંમર અનુક્રમે 40 અને 42 વર્ષની છે. બંને ભાઈઓએ બાળકોની સાથે શા માટે આત્મહત્યા કરી એની પોલીસને હજી પૂરી જાણકારી નથી મળી.

વટવામાં પરિવાર રહેતો હતો

મૂળ વટવામાં રહેતા ગૌરાંગ પટેલ અને અમરીશ પટેલ- બેઉ સગા ભાઈ હતા. બંને ભાઈ તથા તેમના ચાર બાળકોનાં મૃતદેહ તેમનાં જૂના મકાનમાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યાં હતા, એમ વટવા GIDC પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ડી.આર. ગોહિલે જણાવ્યું હતું. અમરીશ અને ગૌરાંગ અમદાવાદના જ અલગ-અલગ વિસ્તારમાં રહેતા હતા. પ્રાથમિક તપાસમાં આ તમામે આત્મહત્યા કરી હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી છે. પોલીસે તમામના મૃતદેહો વી.એસ. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

પોલીસે ફ્લેટનો દરવાજો તોડ્યો

અમરીશ અને ગૌરાંગ 17 જૂને પોતપોતાનાં બાળકો સાથે ઘરેથી એમ કહીને નીકળ્યા હતા કે તેઓ ફરવા જઈ રહ્યા છે, પરંતુ ઘેરથી નીકળ્યા પછી તેઓ ગુરુવાર રાત સુધી ઘરે પરત ના ફરતાં તેમની પત્નીઓ જૂના ફ્લેટ પર પહોંચી હતી. ફ્લેટનો દરવાજો અંદરથી બંધ હતો અને ખાસ્સી વાર થયા છતાં દરવાજો ન ખોલાતાં તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે જ્યારે ઘરનો દરવાજો તોડ્યો ત્યારે ડ્રોઇંગ રૂમમાં બંને ભાઈઓના મૃતદેહ મળ્યા હતા.

રસોડામાંથી મળ્યા બાળકોનાં શબ

તે ઉપરાંત પોલીસને રસોડામાંથી બે બાળકો કીર્તિ (9) અને સાન્વી (7)નાં મૃતદેહ મળ્યાં હતાં, જ્યારે એક અન્ય રૂમમાંથી મયૂર (12) અને ધ્રુવ (12)નાં મૃતદેહ પંખે લટકતાં મળ્યાં હતાં. પોલીસે કહ્યું હતું કે બધાં મૃતદેહ ઘરના સીલિંગ પંખા પર લટકતી હાલતમાં મળ્યાં હતાં. પોલીસ કેસમાં વધુ તપાસ કરી રહી છે.

આત્મહત્યા કરનારના નામ આ મુજબ છેઃ 1. અમરીશ રમેશચંદ્ર પટેલ-૪૨, 2. ગૌરાંગ રમેશચંદ્ર પટેલ-40, 3. મયુર અમરીશભાઈ પટેલ-12, 4. ધ્રુવ ગૌરાંગભાઈ પટેલ- ૧૨, 5. કીર્તિ અમરીશભાઈ પટેલ-૯, 6. સાન્વી ગૌરાંગભાઈ પટેલ-7.