મંદિર જવું ખોટું છે શું? રાહુલે અમદાવાદમાં પત્રકાર સંમેલન યોજી પૂછ્યું

અમદાવાદ- ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણીના પ્રચારના અંતિમ કલાકોમાં કોંગ્રેસના નવનિર્વાચિત પ્રમુખ રાહુલ ગાંધીએ અમદાવાદમાં પત્રકાર સંમેલન યોજ્યું હતું, જ્યાં તેમણે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. ભાજપ અને પીએમ મોદી રાહુલના એકાએક મંદિર પ્રવાસની ચૂંટણીની રાજનીતિ પર સવાલો ઉઠાવતાં સામે રાહુલે પ્રતિપ્રશ્ન પૂછ્યો હતો કે મંદિર જવું ખોટું છે શું?ભાજપ ગભરાટમાં છે તેમ જણાવતાં રાહુલે કહ્યું કે ગુજરાતના સારા ભવિષ્ય માટે તેઓ મંદિરમાં પ્રાર્થના કરી રહ્યાં છે. મોદી ચૂંટણી મુદ્દાઓને બદલે ગુજરાતને શું મળ્યું તેની વાત કરે. પાકિસ્તાનના પૂર્વ વિદેશપ્રધાન સાથેની બેઠક અને પીએમ મોદી વિશે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકરના અભદ્ર શબ્દપ્રયોગ અંગે પૂછાતાં તેમણે કહ્યું કે ઐયર સામે તેમણે પહેલાં જ પગલાં લઇ લીધાં છે.

પોતાના ગુજરાત પ્રવાસ સંદર્ભે અનુભવો જણાવતાં રાહુલે કહ્યું કે ગુજરાતમાં ત્રણચાર મહિનાથી પ્રવાસ કરું છું. અમે ખેડૂત, કારીગરો, આશા વર્કર્સ, ડૉક્ટરો, યુવાનો, ઇજનેરો બધાંને મળ્યાં. ગુજરાત માટે વિઝન બનાવવા અમેરિકાથી સામપિત્રોડાને બોલાવ્યાં છે. અમારું મુખ્ય લક્ષ્ય છેલ્લાં 22 વર્ષમાં મોદી અને રુપાણીના નેતૃત્વમાં થયેલા એકતરફી વિકાસ મોડેલને હટાવવાનું છે.

રાહુલ ગાંધીએ ભાજપ સરકાર ભ્રષ્ટાચારના મામલે ચૂપ થઇ ગઇ હોવાનું જણાવતાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ જીતી રહી હોવાનો દાવો કર્યો હતો.