14મીની ચૂંટણી માટે EVM-VVPAT ડિસ્પેચ શરુ

અમદાવાદ– ગુજરાત વિધાનસભા-2017, 14મી ડિસેમ્બરે યોજાનારા બીજા તબક્કાના મતદાન પૂર્વેની તૈયારીઓ શરુ થઇ ગઇ છે. બીજા તબક્કાના મતદાનના નક્કી કરાયેલા કેન્દ્રો પરથી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન તેમ જ vvpat મશીનની ફાળવણી કરવામાં આવી હતી.અમદાવાદ જિલ્લામાં ચૂંટણી કામગીરીમાં 6007 પ્રિસાઇડીંગ ઓફિસર, 11122 પોલિંગ ઓફિસર, 8736 મહિલા ઓફિસર, 6007 પટાવાળા સાથે કુલ 31872 કર્મચારીઓ ફરજ બજાવશે. આ સાથે  509 ઝોનલ ઓફિસર-સેક્ટર ઓફિસર, 509 ઝોનલ આસિસ્ટન્ટ , 5451 બૂથ લેવલ ઓફિસર, 2500 જેટલો અન્ય  સ્ટાફ ચૂંટણીની કામગીરીમાં રોકાયેલો છે. અમદાવાદ જિલ્લામાં 40841 જેટલો સ્ટાફ કામગીરી કરશે.વહેલી સવારથી જુદાજુદા ડિસ્પેચ અને સ્વીકાર કેન્દ્રો પર ઇલેકટ્રોનિક વોટિંગ મશીન, વી-વીપેટ તેમજ કલેક્ટર દ્વારા આપવામાં આવેલું ચૂંટણી સાહિત્ય અધિકારીઓ દ્વારા કેન્દ્રોને ફાળવવાનું શરુ કરી દેવામાં આવ્યું હતું.2017 વિધાનસભાની ચૂંટણીની કામગીરમાં સરકારી કર્મચારીઓની અછતને કારણે ભૂસ્તર વિભાગ, ઓ.એન.જીસી., એલ.આઇ.સી જેવા અનેક વિભાગોમાંથી  લોકોને ફરજ પર મોકલવામાં આવ્યાં હતાં.પ્રસ્તુત તસવીરો આંબાવાડી વિસ્તારના સી.એન. વિદ્યાલયની છે જ્યાંથી ચૂંટણીમાં ફરજ પરના અધિકારીઓ, કર્મચારીઓ એકબીજાને માહિતગાર કરવાનું તેમ જ સાધનો-સાહિત્ય એકઠું કરવાનું કાર્ય કરી રહ્યાં છે.

અહેવાલ-તસવીરો—પ્રજ્ઞેશ વ્યાસ