અમદાવાદઃ શહેરમાં આવેલી “શાંતિ બિઝનેસ સ્કૂલ” દ્વારા વિદ્યાર્થીઓ માટે આ શૈક્ષણિક વર્ષ માટેના અંતિમ “થોટ લીડર્સ સ્પિક સિરીઝ” ના ભાગરૂપે “સામાજીક વિભિન્નતામાં માનવ અધિકાર અને જવાબદારીઓ” વિષય પર લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ઇન્ડિયન ફોરેન સર્વિસના ભૂતપૂર્વ સિનયર અધિકારી અને હાલમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના સભ્ય તરીકે કાર્યરત ડૉ. જ્ઞાનેશ્વર મુલે દ્વારા ઉપરોક્ત વિષય પર વ્યાખ્યાન આપવામાં આવ્યુ હતું.ડૉ. જ્ઞાનેશ્વર મુલે ભારતીય વિદેશ મંત્રાલયમાં તેમના સેક્રેટરી તરીકેના કાર્યકાળ દરમિયાન આપવામાં આવેલા મહત્વપૂર્ણ યોગદાન બદલ “પાસપોર્ટ મેન ઓફ ઇન્ડિયા” તરીકે પણ જાણીતા છે. માનવાધિકારનો વ્યાપક અર્થ સમજાવતા ડૉ.મુલેએ માનવ અધિકાર અંગેના ભારતીય મહાકાવ્યોના ઐતિહાસિક ઉદાહરણો અર્થપૂર્ણ રીતે શ્રોતાઓ સમક્ષ રજૂ કર્યા. રાજ્યો અને દેશમાં તાજેતરમાં થયેલા માનવાધિકારના ઉલ્લંઘન અંગે જણાવતા તેમણે કહ્યુંકે માનવ અધિકારના ચાર આધારસ્તંભો “રાઇટ ટુ લાઇફ, લિબર્ટી, સમાનતા અને ગૌરવ” માનવાધિકારને અસરકારક અને અર્થપૂર્ણ બનાવવા માટે એક સાથે સુનિશ્ચિત થવા જોઈએ. બહુ ભાષા નિપુણ ડૉ. મૂલેએ માનવ અધિકારના વિશાળ પરિપ્રેક્ષ્યના ભાગ રૂપે માતૃભાષાના અધિકાર પર પણ ભાર મૂક્યો હતો. તેમણે અભિપ્રાય આપ્યો હતો કે ઘણી બધી પ્રાદેશિક ભાષાઓ ભારતીય ઉપ-ખંડોમાં બોલાય છે અને આ ભાષાકીય વિશિષ્ટતાને જાળવવા અને ઉજવવા આપણે બધાજ પ્રયન્ત કરવા જોઈએ.