બ્રેન ડેડ દીકરીના અંગોનું દાન કરી કર્યા અજવાળાં

સુરતઃ શહેરના લેઉવા પટેલ સમાજની એક દિકરીનું અકસ્માતમાં મૃત્યુ થયું અને પરિવારે પોતાની દીકરીના કીડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને જીવન  આપ્યું છે. આ પરિવારે માનવતાની સોડમ પ્રસરાવી સમાજને નવી દિશા બતાવી છે.

સુરતથી પ્રથમવાર કિડની અને લિવરને ગ્રીન કોરીડોરના માધ્યમથી અમદાવાદની કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે મોકલવામાં આવ્યા હતા. સુરતની વિનસ હોસ્પિટલથી અમદાવાદની હોસ્પિટલ સુધીનું 260 કિલોમીટરનું અંતર 2.55 કલાકમાં કાપીને કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ દર્દીઓમાં કરવામાં આવ્યું છે.

૯ માર્ચના રોજ યેશા નામની આ દીકરી શાળાએથી આવ્યા પછી પોતાની સહેલીઓ સાથે સાંજે ૬.૧૫ કલાકે હીરાબાગ ગંગેશ્વર સોસાયટી, ડેરી ડોન આઈસ્ક્રીમ પાસે રમતા રમતા ચોથા માળેથી અકસ્માતે નીચે પડી જતા માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગઈ હતી. પરિવારજનોએ તેને તાત્કાલિક પી.પી.સવાણી હોસ્પિટલમાં દાખલ કરી સીટી સ્કેન કરાવતા મગજમાં ફ્રેકચર અને તેમજ સોજો હોવાનું નિદાન થયું હતું. તેથી વધુ સારવાર માટે યેશાને વિનસ હોસ્પિટલમાં ન્યૂરોસર્જન ડૉ.ધવલ પટેલની સારવાર હેઠળ દાખલ કરવામાં આવી.

ન્યૂરોસર્જન ડૉ. ધવલ પટેલ, ન્યુરોફીજીશિયન ડૉ.રવિશા શેઠ, ફીજીશિયન ડૉ.નીખીલ જરીવાલા, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. ચંદ્રેશ ઘેવારીયાએ યેશાને બ્રેનડેડ જાહેર કરી હતી. વિનસ હોસ્પીટલના ICU રજીસ્ટાર ડૉ.જયદીપ ટોપીવાલાએ સ્ટેટ એડવાઇઝરી કમિટી ફોર ઓર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટેશનના કમિટી મેમ્બર અને ડોનેટ લાઈફના પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી યેશાના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી.

ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી યેશાની પિતરાઈ બેન અવની સાથે રહી યેશાના માતા-પિતા ભરતભાઈ અને સંગીતાબેન, મોટા પપ્પા રસીકભાઈ, પિતરાઈ ભાઈ હાર્દિક તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા સમજાવી તેનું મહત્વ સમજાવ્યું.

યેશાના પરિવારજનોએ જણાવ્યું કે અમે વારંવાર વર્તમાનપત્રોમાં અંગદાન અંગેના સમાચારો વાંચતા હતા. આજે જયારે અમારી લાડકવાયી દીકરી બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિતજ છે ત્યારે તેના અંગોના દાન થકી કોઈકના લાડકવાયાને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો.

પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નિલેશ માંડલેવાલાએ State Organ and Tissue Transplant Organization (SOTTO) ના કન્વીનર ડૉ.પ્રાંજલ મોદી અને ટ્રાન્સપ્લાન્ટ કો-ઓર્ડિનેટર પ્રિયા શાહનો સંપર્ક કરી કિડની અને લિવરનું દાન લેવા આવવા માટે જણાવ્યું.

અમદાવાદની IKDRC ના ડૉ.પ્રાંજલ મોદી અને તેમની ટીમે આવી કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું. જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકે સ્વીકાર્યું. દાનમાં મેળવવામાં આવેલી બંને કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની IKDRC માં ડૉ.પ્રાંજલ મોદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.