ડીસાઃ બનાસકાંઠામાં લવ જેહાદની સામે લોકોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. જેથી આજે જનઆક્રોશ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં ભાજપના વિધાનસભ્ય સહિત 10,000થી વધુ લોકો સામેલ થયા હતા. પોલીસે દેખાવકારો પર લાઠીચાર્જ કર્યો હતો. બનાસકાંઠામાં ભારે તંગદિલી પ્રવર્તતા CRPFની ટુકડી પણ તહેનાત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જમાં એક વ્યક્તિ ઘાયલ પણ થઈ હતી. બનાસકાંઠામાં એક મુસ્લિમ યુવકે હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યાં હતાં. હિન્દુ સંગઠનોની ભારે વિરોધ રેલીમાં ભાજપ પણ સામેલ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર એક મુસ્લિમ યુવક યુવતીને ભગાડીને લઈને ગયો હતો. આટલું જ નહીં, તે યુવક યુવતીની માતાને પણ સાથે લઈ ગયો હતો. ત્યાર બાદ તેણે આ યુવતીનું અને તેની માતાનું ધર્મપરિવર્તન કરાવી દીધું હતું. ત્યાર બાદ આ યુવકે તેની માતાનાં લગ્ન તેના કોઈ સગાંને ત્યાં કરાવી દીધાં હતાં. જેથી આ યુવતીના પિતાએ ઝેર પી લીધું હતું. તે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ મામલો હાલ હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
આ ધર્મ પરિવર્તનની ઘટનાને પગલે બનાસકાંઠાનું ડીસા શહેર આજે સજ્જડ બંધ છે. ડીસામાં હિંદૂ સંગઠનોએ બગીચા સર્કલથી રેલીનું આયોજન કર્યું હતું. હિન્દુ સમાજની રેલી પૂરી થયા બાદ પણ ભીડ જામેલી હતી. તેથી ડીસામાં રેલી બાદ ભીડને દૂર કરવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરતાં દોડધામ મચી હતી. ડીસામાં ધર્મ પરિવર્તનની ઘટનાથી ભારેલો અગ્નિ પ્રવર્તી રહ્યો છે. ડીસા બંધના એલાનને વેપારીઓ-દુકાનદારોએ સમર્થન આપ્યું હતું. પોલીસે કેટલાક લોકોની અટકાયત પણ કરી હતી.